અમેરિકાના ફ્લોરિડામાં 26મેએ એક રોડ અકસ્માતમાં તેલંગણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લાની 25 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ગુંતીપલ્લી સોમ્યા રોડ ક્રોસ કરતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે ટક્કર મારી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બની ત્યારે સૌમ્યા કરિયાણાનું ખરીદીને તેના ઘરે પરત આવી રહી હતી.
બે વર્ષ પહેલા અમેરિકા ગયેલી સૌમ્યાએ ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો હતો અને જોબ શોધવાનું પણ શરૂ કર્યું હતું.
સૌમ્યાના મોતના સમાચાર મળતા જ પરિવારને આઘાત લાગ્યો હતો. તેના માતા-પિતા કોટેશ્વર રાવ અને બાલમણિએ ભારત સરકાર અને રાજ્ય સરકાર પાસે પુત્રીનો મૃતદેહ ભારત પરત લાવવાની અપીલ કરી હતી. સૌમ્યાના પિતા અને સીઆરપીએફના પૂર્વ ઓફિસર કોટેશ્વર રાવે કહ્યું કે તેમની દીકરીએ 11 મેના દિવસે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. કોટેશ્વર રાવ હવે કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની દીકરીને ગુમાવનારા પિતાએ કહ્યું મે તેના માટે કપડા પણ મોકલ્યા હતા.
અમેરિકામાં ભારતીય અથવા ભારતીય મૂળના ઘણા વિદ્યાર્થીઓના દુર્ઘટનાઓમાં મોત નીપજ્યા છે. તાજેતરમાં જ આંધ્રપ્રદેશના એક સ્ટુડન્ટ બેલેમ અચ્યુતને ન્યૂયોર્કમાં બાઈક અકસ્માત દરમિયાન પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.