રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેઇમ ઝોનમાં ગત શનિવારે (25 મે) સાંજે 4.30 વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 30 લોકો બળીને ભડથુ થઈ ગયા હતાં. બાળકો સહિતના અનેક લોકો ઉનાળાના વેકેશનની મજા માણતા હતાં ત્યારે આ ભયાનક અગ્નિકાંડ સર્જાતા હાકાકાર મચી ગયો હતો. મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદ સળગી ગયાં હતાં અને તેથી ડીએનએ ટેસ્ટ મારફત ઓળખ કરાશે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગેઇમ ઝોનમાં ઘણી જગ્યાએ રીપેરિંગ અને રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આજુબાજુ મોટી સંખ્યામાં પ્લાયવુડ અને લાકડાના ટુકડા ફેલાયેલા હતા. એક સીડી પર વેલ્ડિંગમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી, પણ એક જ દાદર હોવાથી બીજા અને ત્રીજા માળે રહેલા લોકો એમાં ફસાઈ ગયા હોવાથી આગમાં મૃત્યુઆંક વધારે થયો છે. ગણતરીની 30 સેકન્ડમાં આગ આખા ગેઇમ ઝોનમાં ફેલાઈ ગઈ હતી. ગેઇમ-ઝોન બનાવવા માટે જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરાયો છે એ મટીરિયલમાં આગ ઝડપથી ફેલાઈ હતી. એમાં રબર અને રેઝિનનું ફ્લોરિંગ હતું,
પાર્ટિશન માટે થર્મોકોલ શીટનો ઉપયોગ થયો હતો. વળી કાર-ઝોનમાં ૧૦૦૦થી વધારે ટાયરો હતાં એટલે આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ લઈ લીધું હતું. ગેઇમ-ઝોનમાં ૧૫૦૦ લીટર ડીઝલનો સ્ટૉક કરેલો હતો જેને લીધે આગ અંકુશની બહાર ફેલાઈ હતી. આગથી સમગ્ર ગેઇમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે. લગભગ ત્રણ કલાકમાં આગ પર કાબુ મેળવી શકાયો હતો. અધિકારીઓનું કહેવું છે કે મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા. જેના કારણે રવિવાર સુધી ઓળખ થઈ શકી નહોતી. ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
આ દુર્ઘટનામાં 10 દિવસ પહેલા કેનેડાથી રાજકોટ આવેલ અક્ષય ઢોલરીયા તેમની નવવિવાહિતા પત્ની ખ્યાતિ સાવલિયા અને સાળી હરિતાનું પણ મોત થયું હતું. આ ઉપરાતં એક જ પરિવારના સાતમાંથી પાંચ લોકો ગુમ થયા હતા. પરિવારના અગ્રણી ચંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મારા પરિવારના સાત લોકો ગેમિંગ ઝોનમાં હાજર હતા. આમાંથી બે સલામત છે. એકની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બીજો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બાદ પરિવારના પાંચ સભ્યો લાપતા છે. અમારા પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે.
એક કરૂણ ઘટના જોઇએ તો વેરાવળના દોલત પ્રેસ વિસ્તારમાં રહેતો વિવેક અશોકભાઇ દુસારા (ઉ.વ.૨૮) પણ આ દૂર્ઘટનામાં પોતાની પત્નિ ખુશાલી (ઉ.વ.૨૭) અને સાળી ત્રિશાલી-ત્રિશા અશોકભાઇ મોડાસીયા (ઉ.વ.૨૨) સાથે લાપતા બની ગયો છે. કરૂણતા એ છે કે વિવેક અને ખુશાલીના હજુ ત્રણ માસ પહેલા જ લગ્ન થયા હતાં.
રાજકોટમાં ગેઇમ-ઝોનમાં સામાન્ય રીતે એન્ટ્રી-ફી ૫૦૦ રૂપિયા હોય છે, પણ વધુ ને વધુ લોકો આ ગેઇમ-ઝોનમાં રમવા આવે એ માટે સંચાલકોએ વીક-એન્ડનો લાભ મેળવવા માટે માત્ર ૯૯ રૂપિયામાં એન્ટ્રીની સ્કીમ લૉન્ચ કરી હતી એટલે આ ગેઇમ-ઝોનમાં આગ લાગી ત્યારે ૩૦૦ જેટલા લોકો ઉપસ્થિત હતા.
ગેઇમિંગ પ્રવૃત્તિઓ માટે મેટલ અને ફાઈબર શીટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ડોમમાં આશરે બપોરે 4.30 વાગે આગ ફાટી નીકળ્યા પછી છ કલાકથી વધુ સમય સુધી રાહત અને બચાવ કામગીરી ચાલી હતી. ભીષણ આગને કારણે બે માળનો સમગ્ર ડોમ ધરાશાયી થયો હતો.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે અમે આગની ઘટનામાં 28 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદ સળગી ગયા છે અને તેથી તેમની ઓળખ મુશ્કેલ છે. મૃતકોમાં 12 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા ચાર બાળકો હતાં.
રાજકોટના કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમને ગેઇમ ઝોનમાં આગ લાગવા અંગે સાંજે સાડા ચાર વાગ્યે ફોન આવ્યો હતો. અગ્નિશામક દળ અને એમ્બ્યુલન્સ આગને કાબૂમાં લેવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. આગને કારણે માળખું તૂટી પડ્યું હતું અને કાટમાળ સાફ કરવામાં આવી રહ્યો છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
રાજ્ય સરકારે મૃતકોના સગાંને રૂ.4 લાખ તથા ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોને રૂ. બે લાખ તથા ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી બચાવ અને રાહત પ્રયાસો વિશે જાણકારી મેળવી હતી. સરકારે આ ઘટનાની તપાસ અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળની પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવાનો પણ આદેશ કર્યો હતો.
રાજકોટના અગ્નિકાંડ પછી રાજ્યના પોલીસવડાએ એક નોટિફિકેશન બહાર પાડીને પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને ગુજરાતના તમામ ગેઇમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વિના ચાલતા ગેઇમ ઝોન બંધ કરવા આદેશ આપ્યાં હતા. તેમણે પોલીસને નગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીના ફાયર ઓફિસરો સાથે સંકલન કરીને આ પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો હતો.
સ્પેશિયલ ટીમ દ્વારા તપાસનો આદેશ
ગુજરાત સરકારે રાજકોટ અગ્નિકાંડ તપાસ અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળની પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપી હતી. રાજ્ય સરકારે વિશેષ તપાસ ટીમ (એસઆઇટી) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને સમગ્ર ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપવામાં આવશે. ADGP ત્રિવેદીની આગેવાની હેઠળની SITમાં કમિશનર (ટેકનિકલ એજ્યુકેશન) બીએન પાની, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરના ડાયરેક્ટર એચપી સંઘવી, ચીફ ફાયર ઓફિસર, અમદાવાદ જે.એન.ખાડિયા અને અધિક્ષક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ એમ બી દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના સભ્યોએ રાજકોટ શહેરમાં ઘટનાના બીજે દિવસે રવિવારે વહેલી સવારે સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. મૃતદેહો ઓળખી શકાય તેટલી હદ સળગી ગયા હતા. મૃતકોની ઓળખ માટે મૃતદેહો અને પીડિતના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતો.