સોમવારે સરકારને સુપરત કરાયેલ તપાસ અહેવાલમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) પર આરોપ મૂકાયો છે કે 1970 અને 1990 વચ્ચે NHS માં સારવાર લઇ રહેલા 30,000થી વધુ લોકો ચેપગ્રસ્ત લોહી ચઢાવવાના કારણે HIV અને હેપેટાઇટિસ સી જેવા જીવલેણ વાયરસથી ચેપગ્રસ્ત થયા હતા. આ બાબતે વડા પ્રધાન ઋષિ સુનક સરકાર વતી માફી માંગે તેવી અપેક્ષા રખાઇ રહી છે.
તપાસ પંચના અધ્યક્ષ સર બ્રાયન લેંગસ્ટાફે પાંચ વર્ષની તપાસ પછી આકરો ચુકાદો આપતા કહ્યું હતું કે ‘’તે વખતે ફેક્ટર VIII ના ચેપગ્રસ્ત બેચનો સમાવેશ કરાયો હતો જેમાં આવશ્યક બ્લડ ક્લોટ પ્રોટીન હોય છે અને તે યુએસથી આયાત કરવામાં આવતું હતું. યુકેમાં 1986 સુધી HIV/AIDS અને 1991 સુધી હેપેટાઇટિસ C માટે દાન કરાયેલ લોહીનું પરીક્ષણ કરાતું ન હતું. અંદાજ છે કે તેને કારણે 3,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. મુઠ્ઠીભર લોકોએ ગેરમાર્ગે દોરવાનું કાવતરું રચ્યું હતું અને પોતાનો ચહેરો કે ખર્ચ બચાવવા ઘણું સત્ય છુપાવવામાં આવ્યું છે.’’
2,527 પાનાના સાત વોલ્યુમના દસ્તાવેજમાં કૌભાંડના પ્રચંડ સ્તરની વિગતો આપી ઝડપી વળતર સહિતની શ્રેણીબદ્ધ ભલામણો કરાઇ છે. રિપોર્ટમાં NHSને 1996 પહેલા લોહી ચડાવ્યું હોય તેવા કોઈપણ વ્યક્તિની તાત્કાલિક હેપેટાઈટિસ સી માટે તપાસ કરવા અને કોઇ પણ આવતા નવા દર્દીઓને 1996 પહેલા રક્તદાન કર્યું હતું કે કેમ તે પૂછવા ભલામણ કરી છે.
અહેવાલમાં જણાવાયું છે કે માર્ગારેટ થેચરની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર વખતે લોકોને “ઉપલબ્ધ શ્રેષ્ઠ સારવાર” આપવામાં આવી હતી.
ઐતિહાસિક સ્વાસ્થ્ય કૌભાંડમાં હિમોફીલિયા અને લોહી ગંઠાઈ જવાની વિકૃતિઓ ધરાવતા લોકો તથા બાળજન્મ, અકસ્માતો અથવા તબીબી સારવાર દરમિયાન લોહી ચઢાવાયું હોય ચેવા લોકો ભોગ બન્યા હતા.
સુનક સરકારે તપાસનો અહેવાલ પ્રકાશિત થયા પછી અંતિમ વળતરના મુદ્દાને ઉકેલવાનું વચન આપ્યું છે, જેનો કુલ ખર્ચ બિલીયન્સ પાઉન્ડમાં જવાની સંભાવના છે.