છેલ્લા નવ વર્ષોમાં ગ્રાહકો માટે પોતાના દરવાજા બંધ કરનાર યુકેની બેંક શાખાઓની સંખ્યા તા. 17ને શુક્રવારે 6,005ને પાર કરી ગઇ હતી અને આ વર્ષના અંત સુધીમાં જો બેંક શાખાઓ બંધ થવાની ગતિ ચાલુ રાખશે તો લંડનમાં બે સહિત દેશના 33 સંસદીય મતવિસ્તારો એવા હશે કે જ્યાં બેન્કની એક પણ શાખા હશે નહિં.
2024માં નેટવેસ્ટ 50, લોયડ્સ 43, TSB 28, હેલિફેક્સ 26, રોયલ બેંક ઑફ સ્કોટલેન્ડ 20 અને બાર્કલેઝ 14 મળી કુલ 200 શાખાઓ બંધ થનાર છે. કન્ઝ્યુમર ગ્રૂપ ‘વિચ?’ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ બાર્કલેઝની વધુ આઠ શાખાઓ તા. 17ના રોજ બંધ થનાર છે અને બાર્કલેઝે બંધ કરેલા આઉટલેટ્સની સંખ્યા લગભગ 1,216 (20%) જેટલી છે.
2017માં બંધ થવાનો દર ટોચ પર પહોંચ્યો હતો પરંતુ ગ્રાહક સરકારે 2020માં રોકડની ઍક્સેસને સુરક્ષિત રાખવા માટે કાયદાઓ માટેની યોજનાઓની જાહેરાત કર્યા પછી બેંકો દ્વારા શાખાઓ બંધ કરવાની રેસ યોજાઇ છે. ગ્રાહકો ઓનલાઈન અને મોબાઈલ ફોન દ્વારા બેંકિંગ કરવા પરંપરાગત કાઉન્ટર સેવાઓનો ત્યાગ કરી રહ્યા છે તેને આધાર બનાવી દર થોડા અઠવાડિયે શાખાઓ બંધ કરવાની જાહેરાત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવે પોસ્ટ ઓફિસમાં કોઈપણ બેંકના ગ્રાહકો રોકડ ઉપાડી અને જમા કરી શકે છે, બિલની ચૂકવણી કરી શકે છે અને નિયમિત વ્યવહારો કરી શકે છે.