ઈપ્સવિચના પ્રથમ હિંદુ મેયર તરીકે શ્રીલંકાના શરણાર્થી અને લેબર કાઉન્સિલર એલાંગો ઈલાવલાકનની ઇપ્સવિચ બરો કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી.
એલાન્ગો ઇલાવલકને જણાવ્યું હતું કે “હું આજે ખૂબ જ ખુશ છું, અને આ મહાન નગરનો મેયર બનતા મને ખૂબ ગર્વ છે.”
કાઉન્સિલના નેતા નીલ મેકડોનાલ્ડે આ નોમિનેશન માટે દરખાસ્ત કરતાં જણાવ્યું હતું કે મિસ્ટર ઈલાવલકન યુદ્ધ અને સતામણીમાંથી ભાગી ગયેલા શરણાર્થી છે અને તેમણે નવું જીવન બનાવ્યું છે અને અહીં સમાજમાં યોગદાન આપ્યું છે. તેમની નિમણુંક એક નવો સંદેશ આપશે.
ઇપ્સવિચના હિંદુ સમુદાયના સભ્યોએ બુધવારની સાંજે યોજાયેલા સમારંભમાં હાજરી આપી હતી અને વિકેન્ડમાં નજીકના મંદિરમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇપ્સવિચ હિન્દુ સમાજના અધ્યક્ષ ડૉ. સચિન કરાલેએ કહ્યું: “તેમની વરણી ઇપ્સવિચ નગરની મહાન વિવિધતા અને બહુસાંસ્કૃતિકતા દર્શાવે છે કે એક હિન્દુ માણસ મેયર બની રહ્યો છે. મને ખરેખર ગર્વ છે.”
શ્રીલંકા છોડ્યા બાદ ઈલાવલકન ભારત, યુગાન્ડા અને રવાંડામાં રહ્યા હતા. તેઓ 2006માં ઇપ્સવિચમાં વસ્યા તે પહેલા ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં રહેતા હતા. 2014માં તેઓ સેન્ટ જોન્સ વોર્ડના લેબર કાઉન્સિલર બન્યા હતા.
આ અગાઉ 1925માં ઇપ્સવિચના મેયર બનેલા કાવાસ જામાસ બાશાહનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેઓ ભારતીય સિવિલ સર્વિસના વરિષ્ઠ અધિકારી હતા. આલ્બર્ટ ગ્રાન્ટ 1995માં ઇપ્સવિચના પ્રથમ અશ્વેત કાઉન્સિલર અને ઇપ્સવિચના મેયર બન્યા હતા.