પેરિસમાં જુલાઈમાં યોજાનારી ઓલિમ્પિક્સની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં રમનારી ભારતીય ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરવામાં આવી હતી, તેમાં પુરૂષોની ટીમમાં ગુજરાતના બે પેડલર્સ – હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની પસંદગી કરાઈ છે.
પુરૂષોની ભારતીય ટીમના સુકાની તરીકે શરથ કમાલ અને મહિલા ટીમની સુકાની તરીકે મનિકા બત્રાની વરણી કરાઈ છે. ઓલિમ્પિકસમાં ભારત પહેલી વાર ટેબલ ટેનિસની ટીમ ગેમમાં કવોલિફાઈ થયું છે.
ટીટીએફઆઈની સિનિયર પસંદગી સમિતએ ગુરુવારે શરથ કમાલની આગેવાની હેઠળની ભારતીય ટેબલ ટેનિસ ટીમની જાહેરાત કરી હતી. શરથ કમાલ, હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ત્રણ સદસ્યની મેન્સ ટીમમાં રમશે અને મનિકા બત્રા, શ્રીજા અકુલા તથા અર્ચના કામથ વિમેન્સ કેટેગરીમાં ભાગ લેશે.
બંને કેટેગરીમાં વૈકલ્પિક ખેલાડી તરીકે જી. સાથિયાન અને અહિકા મુખરજી રહેશે. મેન્સ સિંગલ્સમાં શરથ કમાલ અને હરમિત દેસાઈ તથા વિમેન્સ સિંગલ્સમાં મનિકા બત્રા અને શ્રીજા અકુલા ભાગ લેશે.
ભારતની ટીમ:
મેન્સઃ શરથ કમાલ, હરમિત દેસાઈ અને માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડીઃ જી. સાથિયાન.
વિમેન્સઃ મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડીઃ અહિકા મુખરજી.