ઐશ્વર્યા રાય બચ્ચને 17 મે, 2024ના રોજ 77મા વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં "કાઈન્ડ્સ ઑફ કાઇન્ડનેસ" રેડ કાર્પેટમાં હાજરી આપી હતી. (Photo by Vittorio Zunino Celotto/Getty Images)
દર વર્ષે ફ્રાંસ યોજાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડમાંથી એકમાત્ર ઐશ્વર્યા રાયનો કાયમી દબદબો જોવા મળ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચને આ વર્ષે યોજાયેલા 77મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાના કામણ પાથર્યા હતા. ફેસ્ટિવલમાં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. ઐશ્વર્યાને એક હાથમાં ફ્રેક્ચર હોવા છતાં તે રેડ કાર્પેટ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જોવા મળી હતી અને આકર્ષણનું કેન્દ્ર બની હતી.
તેણે આ વર્ષે રેડ કાર્પેટ પર મોનોક્રોમેટિક લૂક પસંદ કર્યો હતો. તેના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ જોવા મળ્યું હતું. તેણે ઓછા મેકઅપ સાથે ભભકાદાર એક્સેસરીઝ વગરનો લૂક પસંદ કર્યો હતો. ઐશ્વર્યા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મુંબઇથી નીકળી ત્યારે મુંબઈ એરપોર્ટ પર પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. એક હાથમાં ફ્રેક્ચર હોવાથી આરાધ્યા તેનું ધ્યાન રાખતી હતી.
ઐશ્વર્યાએ 2002માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પદાર્પણ કર્યું હતું. પ્રથમવાર તે એક સુંદર સાડી પહેરીને ત્યાં ગઇ હતી અને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. છેલ્લા 22 વર્ષથી ઐશ્વર્યા રાય બચ્ચન સતત ફેસ્ટિવલમાં હાજર રહે છે અને દરેક વખતે તે પોતાના જુદા જુદા દેખાવથી ચાહકોને પ્રભાવિત કરે છે. ફ્રાન્સના ફ્રેન્ચ રીવેરા ખાતે 14થી 25 મે સુધી 77મા વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા છેલ્લે ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’માં જોવા મળી હતી, જેમાં તેણે ચિયાન વિક્રમ અને જયમ રવિ જેવા અભિનેતા સાથે કામ કર્યું હતું. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હતી, જેમાં દર્શકોએ ઐશ્વર્યાનાં અભિનયની પ્રશંસા કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમે કર્યું હતું.

LEAVE A REPLY