દારૂના નશામાં પાર્લામેન્ટરી બારમાં બે મહિલાઓને “ધમકાવવા અને હેરાન” કરવા બદલ હાઉસ ઑફ લોર્ડ્સની આચાર સમિતિએ આચાર સંહિતાના ફકરા 19નો ભંગ કરવા બદલ બ્રિટિશ શીખ પીઅર કુલવીર રેન્જરને હાઉસ લોર્ડ્સમાંથી ત્રણ સપ્તાહના સસ્પેન્શન અને તમામ હાઉસ ઓફ લોર્ડ્સ બારમાં ભાગ લેવા માટે એક વર્ષના પ્રતિબંધની સજા કરી હતી. સજા બાદ રેન્જરે ટોરી વ્હિપને રાજીનામું આપ્યું હતું. સમિતિએ હાઉસ ઓફ કોમન્સને તેમના બાર પરના સમાન પ્રતિબંધ અંગે વિચારણા કરવા કહ્યું છે. તેમને લોર્ડ્સના અન્ય કેટરિંગ સ્થળોએ આલ્કોહોલ આપવામાં આવશે નહિં.
લૉર્ડ રેન્જર ઑફ નોર્થવૂડ તરીકે ઓળખાતા 49 વર્ષના લંડનમાં જન્મેલા શીખ કુલવીર રેન્જરને 2023માં લાઇફ પીઅર બનાવાયા હતા.
હાઉસ ઓફ લોર્ડ્સ કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ માર્ટિન જેલી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાયું હતું કે લોર્ડ કુલવીર રેન્જરે 17 જાન્યુઆરી, 2024ના રોજ હાઉસ ઓફ કોમન્સ સ્ટ્રેન્જર્સ બારમાં લોકોના એક જૂથનો સંપર્ક કર્યો હતો. કોઇને જાણતા ન હોવા છતાય નશામાં ધૂત થઇ આસપાસ ઠોકરો ખાતા રેન્જરે જૂથની મહિલા સભ્યોને પૂછ્યું હતું કે તેઓ કેટલી ઉંમરના છે અને તેઓ જે પ્રકાશનની ચર્ચા કરી રહ્યા છે “તેમાં પોર્ન છે” કે કેમ? રેન્જરે બૂમો પાડી, ગાળ બોલી, અવાજ ઊંચો કરીને બે મહિલાઓને “યુઝલેસ” અને “થોડું સંશોધન કરવા” કહ્યું હતું.
એક મહિલાએ કહ્યું કે તે શારીરિક રીતે ડરાવતા હતા અને વારંવાર તેમની આંગળી ચિંધતા હતા અને તેઓ ક્યાં કામ કરે છે તે જોવા માટે તેમના પાર્લામેન્ટરી પાસને લગભગ પકડ્યો હતો. તેનું વર્તન “સત્તાનો દુરુપયોગ” કરતા હોય તેવું લાગ્યું. ત્યારપછી બંને મહિલાઓએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રેન્જરે બંને ફરિયાદીઓને લેખિત માફી મોકલીને કહ્યું હતું કે ‘’આ વ્યવહાર મારા ચારિત્ર્યની બહારનો હતો. મારા સમગ્ર જીવન દરમિયાન મેં ક્યારેય આક્રમક અથવા અસંસ્કારી વર્તનને યોગ્ય ગણ્યું નથી. હું ફક્ત એટલું જ ઉમેરી શકું છું કે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન મને મારા બાળકો અને પત્ની બંનેના સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ આવી છે જે ખૂબ જ તણાવપૂર્ણ રહી છે અને મારી શારીરિક ક્ષમતા અને માનસિક સ્વાસ્થ્ય પર તેણે નોંધપાત્ર અસર કરી છે. મારા સંપૂર્ણ અવિચારી આક્રોશ અને તમારા પ્રશ્નોના જવાબો બદલ હું ફરીથી ખૂબ જ દિલગીર છું. મને આ ઘટના યાદ નથી પરંતુ વાઈનનાં કેટલાંક ગ્લાસ પીધા હતા તે યાદ નથી.
તેણે આચાર સમિતિની માફી માંગી પોતાના વર્તન પર આઘાત અને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. સમિતિએ જણાવ્યું હતું કે રેન્જરે કમિશનરના તારણો અથવા ભલામણ કરેલ મંજૂરી સામે અપીલ કરી ન હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સને રેન્જરને ગયા વર્ષે કન્ઝર્વેટિવ પાર્ટીના પીઅર તરીકે હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન પીઅરેજ બનાવ્યા હતા. તેઓ 2008 અને 2016 વચ્ચે લંડનના મેયર બોરિસ જૉન્સનના ટ્રાન્સપોર્ટ પોલિસી માટેના ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે.