વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં આગામી સામાન્ય ચૂંટણી તારીખ 4 જુલાઈના રોજ કરવાની જાહેરાત કરીને ચૂંટણી અંગેની તમામ ઉગ્ર અટકળોનો અંત આણ્યો હતો. સુનકે કોવિડ રોગચાળો, ફર્લો યોજના અને યુક્રેનમાં યુદ્ધની ચર્ચા કર્યા પછી જણાવ્યું હતું કે હવે પ્રશ્ન એ છે કે “તમે કોના પર વિશ્વાસ કરો છો?  બ્રિટન માટે તેના નેતાની પસંદગી કરવાનો સમય આવી ગયો છે. તો લેબર લીડર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’ચૂંટણી એક એવી ક્ષણ છે જેની દેશ રાહ જોઈ રહ્યો હતો.’’

તા. 22ને બુધવારે સાંજે લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પરથી વરસતા વરસાદમાં સંબોધન કરતા બ્રિટનના ભારતીય વારસાના પ્રથમ વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે “આજે મેં મહારાજા ચાર્લ્સ ત્રીજા સાથે સંસદના વિસર્જનની વિનંતી કરવા માટે વાત કરી હતી અને રાજાએ આ વિનંતીને માન્ય કરી છે. હવે આપણે ચોથી જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજીશું.’’

44-વર્ષીય સુનકે રોગચાળા દરમિયાન નોકરીઓનું રક્ષણ કરવા માટે ચાન્સેલર તરીકે રજૂ કરેલી ફર્લો યોજના અને દેશમાં “સૌથી અંધકારમય દિવસોમાં” વડા પ્રધાન તરીકે તેમણે લાવેલી “આર્થિક સ્થિરતા” તરફ ધ્યાન દોરતાં કહ્યું હતું કે “જેમ મેં તે સમયે કર્યું હતું, હું તમને શક્ય તેટલી મજબૂત સુરક્ષા પ્રદાન કરવા માટે મારી શક્તિમાં હશે તે બધું કરીશ. એ મારું તમને વચન છે. આ સખત મહેનતથી મેળવેલી આર્થિક સ્થિરતા માત્ર શરૂઆત માટે જ હતી. હવે પ્રશ્ન એ છે કે તે પાયાને તમારા, તમારા પરિવાર અને આપણા દેશ માટે સુરક્ષિત ભવિષ્યમાં ફેરવવા માટે તમે કેવી રીતે અને કોના પર વિશ્વાસ કરો છો? હવે બ્રિટન માટે સમય છે. તેના ભવિષ્યને પસંદ કરો, તે નક્કી કરવા માટે કે આપણે જે પ્રગતિ કરી છે તેના પર આપણે નિર્માણ કરવા માંગીએ છીએ અથવા કોઈ યોજના અને કોઈ નિશ્ચિતતા વિના પાછા એકડે એકથી શરૂ કરવાનું જોખમ લેવું છે.”

મોટા ભાગના ઓપિનિયન પોલ્સમાં શાસક કન્ઝર્વેટિવ પાર્ટી સામાન્ય ચૂંટણીમાં પરાજીત થશે તેવી આગાહી કરવામાં આવી છે. તાજેતરની પેટાચૂંટણી અને સ્થાનિક ચૂંટણીની જીતની સીરીઝ પછી વિરોધ પક્ષ લેબર પાર્ટી મજબૂત લીડ ધરાવે છે.

લેબર નેતા સર કેર સ્ટાર્મરે જાહેરાત પછી તરત જ કહ્યું હતું કે “આ તે ક્ષણ છે જેની દેશને જરૂર છે અને દેશ રાહ જોઈ રહ્યો છે. લેબર માટેનો મત એ સ્થિરતા માટેનો મત છે. અરાજકતા બંધ કરો, પાનુ ફેરવો, પુનઃનિર્માણ શરૂ કરો, લેબરને મત આપો.”

આ અગાઉ, યુ.કે.ની સામાન્ય ચૂંટણીની જાહેરાત માટે સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેના માટે મિનિસ્ટર્સે પોતાના કાર્યક્રમોમાં બદલાવ કર્યો હતો. યુકેના ડીફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ની બેઠકમાં હાજરી આપવા માટે તેમની ફ્લાઇટમાં વિલંબ કર્યો હતો. તો ફોરેન સેક્રેટરી ડેવિડ કેમરને કેબિનેટની બેઠક માટે અલ્બેનિયાની તેમની મુલાકાત ટૂંકી કરી હતી.

ચૂંટણીની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુકેની અર્થવ્યવસ્થા માટે કેટલાક સારા સમાચાર મળ્યા છે. ફુગાવાનો દર ઘટીને 2.3 ટકા થયો છે જે ત્રણ વર્ષમાં સૌથી નીચો છે. ઓક્ટોબર 2022માં ચાર્જ સંભાળતી વખતે ફુગાવાને 11 ટકાના માર્કથી અડધાથી વધુ ઘટાડવાનું સુનકે વચન આપ્યું હતું.

2022માં ફિક્સ્ડ-ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટને રદ કરવાથી બ્રિટિશ વડા પ્રધાનોની ચૂંટણીની તારીખો નક્કી કરવાની ક્ષમતા પુનઃસ્થાપિત થઈ હતી. જો કે, કાયદા દ્વારા ઓછામાં ઓછા દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની હોય છે અને જાન્યુઆરી 2025 એ સુનક માટે ચૂંટણી યોજવાની સૌથી અંતિમ તારીખ હતી.

LEAVE A REPLY