અમેરિકાના F-1 વિઝા (સ્ટુડન્ટ વિઝા) માટે એટલી બધી ડિમાન્ડ છે કે હજારો વિઝા સ્લોટ મિનિટોમાં બૂક થઈ જાય છે. રવિવારની મધ્યરાત્રીએ એફ-1 વિઝાના 10,000 સ્લોટ ખૂલ્યા હતાં અને માત્ર પાંચ મિનિટમાં તમામ સ્લોટ બૂક થઈ ગયા હતા. તેનાથી વિદ્યાર્થીઓ નિરાશ થયા હતાં અને લાંબો સમય સુધી વેઇટિંગ રૂમમાં બેસી રહ્યાં હતા.
ઘણા સ્ટુડન્ટે ઘણા સમય સુધી લોગ-ઈન ચાલુ રાખ્યું હતું અને તેમને આશા હતી કે પેજ રિફ્રેશ થશે, પરંતુ એવું કંઈ થયું નથી. તેમણે અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતું સ્લોટ બૂક ન થઈ શક્યો તેના કારણે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
હૈદરાબાદના વિદ્યાર્થીઓએ અમેરિકન યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ લીધું છે અને હવે તેમને F-1 વિઝા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી તેમણે ઓનલાઈન પિટિશન કરીને આ મામલે ન્યાય માગ્યો હતો. સ્ટુડન્ટની માગણી કરી હતી કે અમેરિકન કોન્સ્યુલેટે વધારાના સ્લોટ ખોલવા જોઈએ. કેટલાકે એવી પણ ફરિયાદ કરી કે તેઓ છ મહિના કરતા વધુ સમયથી સ્લોટ બૂક કરવા માટે પ્રયાસ કરે છે પરંતુ તેમને સફળતા નથી મળી.
હૈદરાબાદ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલે ટ્વિટર પર કહ્યું છે કે તેમણે સ્ટુડન્ટ વિઝા સેશન બે અઠવાડિયા માટે લંબાવ્યું છે જેથી કરીને જે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ મોડેથી લેવાય તેમને પણ સમયસર વિઝા મળી શકે.
અમેરિકન કોન્સ્યુલેટે કહ્યું કે હવે સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂ ઓગસ્ટના અંત સુધી ચાલશે. તેઓ વધારે સ્લોટ ચોક્કસ ઉમેરશે પરંતુ તેમણે કોઈ ચોક્કસ આંકડો આપ્યો ન હતો. સપ્ટેમ્બરમાં નવી ટર્મ શરૂ થવાની છે પરંતુ વિઝાના કોઈ ઠેકાણા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ દેખીતી રીતે જ ચિંતામાં છે.
હાલમાં હૈદરાબાદમાં અમેરિકન વિઝા ઈન્ટરવ્યૂ સ્લોટ બૂક કરવા માટે સૌથી લાંબો વેઇટિંગ પિરિયડ ચાલે છે અને 299 દિવસનું વેઈટિંગ છે. ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા અને મુંબઈ જેવા બીજા મેટ્રે શહેરોમાં વેઈટિંગ પિરિયડ ઓછો છે. જેમ કે ચેન્નાઈમાં આ પિરિયડ 14 દિવસ, દિલ્હીમાં 51 દિવસ, કોલકાતામાં 19 દિવસ અને મુંબઈમાં 144 દિવસનું વેઈટિંગ ચાલે છે.