ભારતના સૌથી સફળ ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીએ ગયા સપ્તાહે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. છેત્રી જૂન મહિનામાં ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચ રમશે જે તેની અંતિમ મેચ રહેશે. તે છઠ્ઠી જૂને કુવૈત સામે રમનારો છે. લાંબી કારકિર્દી અને સાતત્યભર્યા પ્રદર્શનને કારણે સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલમાં લોકપ્રિય બની ગયો હતો.
છેત્રીએ 2005માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ 19 વર્ષના ગાળામાં તેણે ભારત માટે ઇન્ટરનેશનલ મેચોમાં કુલ 94 ગોલ કર્યા હતા. આમ તે ભારત માટે સૌથી વધુ મેચ રમનારો તથા સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી તરીકે નિવૃત્ત થશે.
વર્તમાન ફૂટબોલ વિશ્વમાં છેત્રી સૌથી વધુ ગોલ નોંધાવવામાં ત્રીજા ક્રમે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લાયોનલ મેસ્સીએ તેના કરતાં વધારે ગોલ કર્યા છે. જ્યારે વર્લ્ડ ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ નોંધાવવામાં છેત્રી ચોથા ક્રમે છે.
સુનીલ છેત્રી તેની કારકિર્દીની અંતિમ મેચ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે રમશે અને આ બાબત એકદમ યથાર્થ રહેશે કેમ કે આ શહેરમાં તે ઘણું ફૂટબોલ રમ્યો છે અને ત્યાંથી જ તે એક શક્તિશાળી સ્ટ્રાઇકર તરીકે ઉભરી આવ્યો હતો.