અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે અને આગામી સપ્તાહ દરમિયાન ગરમીમાં કોઇ રાહત ન મળવાની ધારણા છે. રવિવારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો હતો, જે આ ઉનાળાની સૌથી વધુ ગરમી છે. આગામી સપ્તાહ માટે રાજ્યના કેટલાંક જિલ્લામાં ગરમીનો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો.
હવામાન ખાતાએ ગુજરાતના સાત શહેરોમાં હીટવેવની આગાહી કરી હતી અને લોકોને ખૂબ જરૂરી કામ ન હોય તો બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી. હાલમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, જુનાગઢ અને ભાવનગરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હીટવેવની સ્થિતિ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તાપમાનનો પારો હજુ પણ એકથી બે ડિગ્રી સુધી વધી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની ધારણા છે.
ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તાપમાન 44ને પાર કરી ગયું હતું. ધોળકા, નડીયાદમાં તાપમાન 45 ડિગ્રી પર પહોંચ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ રવિવારે આગામી સપ્તાહમાં શહેરમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યો હતો. AMCના હીટ એક્શન પ્લાન બુલેટિન મુજબ, શહેરમાં 19, 20 અને 23 મેના રોજ ઓરેન્જ એલર્ટ હેઠળ રહેશે. 21-22 મે દરમિયાન ગરમી માટે શહેર યલો એલર્ટ હેઠળ રહેશે.
યલો એલર્ટ દરમિયાન મહત્તમ તાપમાન 43 ડિગ્રી જેટલું ઊંચું જઈ હોઈ શકે છે, જ્યારે ઓરેન્જ એલર્ટ દરમિયાન તે 44 ડિગ્રી સુધી જઈ શકે છે. લઘુત્તમ તાપમાન અનુક્રમે 29 અને 30 ડિગ્રી રહેશે.
AMC બુલેટિને વધુમાં માહિતી આપી હતી કે 1-17 મે દરમિયાન 108 ઈમરજન્સી સેવા દ્વારા ગરમી સંબંધિત કુલ 4,131 કેસ નોંધાયા હતા. AMC હોસ્પિટલોમાં સમાન સમયગાળામાં આવા 216 કેસ જોવા મળ્યા હતા.
સમગ્ર ભારતની વાત કરીએ તો દિલ્હીમાં રવિવારે તાપમાન 46.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ઉત્તર ભારત અને બીજા પ્રદેશોમાં હજુ ચાર દિવસ સુધી આવ જ ગરમી પડવાની ચાલુ રહેશે. 19 મેના રોજ હવામાન ખાતાએ ચાર દિવસ માટે રેડ એલર્ટની ઘોષણા કરી હતી.
હવામાન ખાતાના બૂલેટિન પ્રમાણે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં ભયંકર ગરમીનો અનુભવ થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે દેશમાં ઓછામાં ઓછી 20 જગ્યાએ તાપમાન 45 ડિગ્રી અથવા તેનાથી વધારે સુધી પહોંચી ગયું હતું. તેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં ભયંકર ગરમી પડી છે. દિલ્હીમાં મુંગેશપુરમાં સૌથી વધારે 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે નજફગઢમાં 46.7 અને પિતમપુરામાં 46.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું.