ભારતમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 49 બેઠકો પરના પ્રચાર પડઘમ શનિવાર, 18 મેની સાંજે શાંત થયાં હતાં. પાંચમાં તબક્કામાં રાયબરેલી અને અમેઠી સહિતની હાઇપ્રોફાઇલ બેઠકો પર સોમવાર, 20મેએ મતદાન થશે. ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડી સુધી મતદાતાઓને રિઝવવાના પ્રયાસ કર્યા હતા.
પાંચમાં તબક્કાની ચૂંટણીમાં રાહુલ ગાંધી (રાયબરેલી), સ્મૃતિ ઇરાની (અમેઠી), રાજનાથ સિંહ (લખનૌ, યુપી), પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર), સાધ્વી નિરંજન જ્યોતિ (ફતેહપુર, યુપી) અને શાંતનુ ઠાકુર (બાણગાંવ, પશ્ચિમ બંગાળ), એલજેપી (રામ વિલાસ) નેતા ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર) અને ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (બંને સરન, બિહાર) સહિતના દિગ્ગજોના ભાવિ નિર્ધારિત થશે.
મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. આ રાઉન્ડમાં સાત તબક્કાની ચૂંટણીમાં સૌથી ઓછી બેઠકો પર મતદાન થશે. સમગ્ર દેશમાં તાપમાનના પારામાં વધારાની સાથે છેલ્લા દિવસ સુધી ચૂંટણી પ્રચારની ગરમી પણ વધી હતી.
લોકસભાની ચૂંટણી ઉપરાંત સોમવારે ઓડિશાની 35 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. બીજેડી પ્રમુખ અને મુખ્યપ્રધાન નવીન પટનાયક પણ ચૂંટણી લડી રહ્યાં છે.
રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત રાયબરેલીથી પણ ચૂંટણીના મેદાનમાં છે. આ બેઠક નહેરુ-ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. 2004થી સોનિયા ગાંધી આ બેઠક પરથી વિજયી બનતા આવ્યા છે. રાહુલ ગાંધી સામે ભાજપે યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. શુક્રવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ એક રેલીમાં ભાવનાત્મક અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ તેમના પુત્રને રાયબરેલીના લોકોને સોંપી રહ્યા છે અને રાહુલ તમને નિરાશ નહીં કરે.
2019માં રાહુલ ગાંધીને હરાવ્યા પછી અમેઠીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસે તેમની સામે ગાંધી પરિવારના સહયોગી કે એલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.
લખનૌથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચોથી મુદત માટે ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો વર્તમાન સપા ધારાસભ્ય (લખનૌ સેન્ટ્રલથી) રવિદાસ મેહરોત્રા સામે થશે. અયોધ્યાને આવરી લેતી ફૈઝાબાદ લોકસભા બેઠકમાં ભાજપના વર્તમાન સાંસદ લલ્લુ સિંહ અને સપાના ધારાસભ્ય અવધેશ પ્રસાદ મુકાબલો થશે. લલ્લુ સિંહે ત્રીજી મુદત માટે ચૂંટણી લડી રહ્યાં છે.
કુલ 49માંથી 40 બેઠકો હાલમાં એનડી પાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય બીજેપી નેતાઓએ તુષ્ટિકરણ, વંશવાદી રાજકારણ, રામ મંદિર, સીએએ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે જો સપા અને કોંગ્રેસ સત્તામાં આવશે, તો તેઓ રામ લલ્લાને તંબુમાં પાછા મોકલી દેશે અને મંદિર પર બુલડોઝર ફેરવી દેશે. વિપક્ષ કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવા માગે છે. કોંગ્રેસ અને અન્ય ઇન્ડિયા જૂથના પક્ષોએ ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજકારણ વડે મતદારોનું ધ્રુવીકરણ કરવાનો આરોપ મૂક્યો હતો અને બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં.
કાશ્મીરની બારામુલ્લા બેઠક પરથી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા, ભૂતપૂર્વ અલગતાવાદી નેતા સજ્જાદ લોન, જેલમાં રહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રશીદ ઉર્ફે ‘એન્જિનિયર રાશિદ’ અને પીડીપીના ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય ફયાઝ અહમદ મીર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઓમર અબ્દુલ્લાએ સોઇબુગમાં રોડ શો યોજ્યો હતો. મધ્ય કાશ્મીરનું આ ગામ અગાઉ આતંકવાદીઓનું કેન્દ્ર હતું.
મહારાષ્ટ્રમાં 13 બેઠકો માટે રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કર્યો હતો. વડા પ્રધાન મોદીએ બુધવારે ભાજપ-શિવસેના-એનસીપી ‘મહાયુતિ’ ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં કલ્યાણ અને ડિંડોરીમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી અને ઉત્તરપૂર્વ મુંબઈમાં રોડ શો પણ કર્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાયુતિના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે નાસિક જિલ્લાના માલેગાંવ અને પાલઘરમાં જાહેર સભાઓ યોજી હતી.
પશ્ચિમ બંગાળના સાત મતવિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યમાં 57 ટકાથી વધુ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય દળોના 60,000થી વધુ જવાનો ઉપરાંત રાજ્ય પોલીસના લગભગ 30,000 કર્મચારીઓ તૈનાત કરાયા છે. વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, TMC સુપ્રીમો મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જી સહિતના સ્ટાર પ્રચારકોએ પોતપોતાના પક્ષના ઉમેદવારો માટે રેલીઓ યોજી છે.