રાહુલ ગાંધી મેદાન છે તે ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પર ચૂંટણી સભામાં ભાવુક સંબોધન કરતાં કોંગ્રેસના માજી પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે હું મારા પુત્ર રાહુલ ગાંધીને તમને સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે. અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સોનિયા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે તેમણે રાહુલ ગાંધીને ઊભા રાખ્યા છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે આ મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. મારું માથું તમારી સામે આદરથી ઝૂકી જાય છે. રાયબરેલી મારું કુટુંબ છે અને અમેઠી મારું ઘર છે. મારી આ બે જગ્યાઓ સાથે જોડાયેલી ઘણી યાદો છે. આ સંબંધ મા ગંગા જેવો શુદ્ધ છે. રાયબરેલી માટે ઈન્દિરા ગાંધીના હૃદયમાં વિશેષ સ્થાન હતું. મેં તેમણે નજીકથી કામ કરતા જોયા છે. તેઓ રાયબરેલી સાથે ખૂબ જ જોડાયેલા હતા. ઈન્દિરા ગાંધી અને રાયબરેલીએ મને શીખવેલા પાઠને આધારે મે રાહુલ અને પ્રિયંકાને ઉછેર્યા તથા બધાને માન આપવું, નબળાનું રક્ષણ કરવું, અન્યાય સામે લડવું પાઠ ભણાવ્યાં છે.
રાહુલ ગાંધી રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ હાજર હતા, ખાસ બાબત એ છે કે સોનિયા ગાંધીએ પણ રેલીને સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં સોનિયા ગાંધીએ 20 વર્ષ સુધી સાંસદ તરીકે સેવા આપવાની તક આપવા બદલ રાયબરેલીની જનતાનો આભાર માન્યો હતો.