(ANI Photo)

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિન લીધાના એક વર્ષ પછી ત્રીજા ભાગના લોકોમાં વિવિધ પ્રકારના ઇન્ફેક્શન, સ્ટ્રોક જેવી આરોગ્ય સમસ્યાઓ જોવા મળી હતી, એમ બીએચયુના સંસોધકોની એક ટીમે કરેલા અભ્યાસમાં જણાવાયું હતું. અભ્યાસમાં આ પ્રકારની આરોગ્ય સમસ્યાનો ‘એડવર્સ ઇવેન્ટ્સ ઓફ સ્પેશ્યલ ઇન્ટરેસ્ટ’ (AESI) તરીકે ઉલ્લેખ કરાયો છે.

આશરે 926 લોકોને આવરી લઇને આ અભ્યાસ કરાયો હતો. આમાંથી 50 ટકા લોકોએ ઇન્ફેક્શનની ફરિયાદ કરી હતી. મોટાભાગના ઇન્ફેક્શન વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક (શ્વસનતંત્ર) સંબંધિત હતા. એક ટકા લોકોમાં સ્ટ્રોક અને ગુઇલેન-બેરે સિન્ડ્રોમનો જેવી ગંભીર આરોગ્ય સમસ્યા (AESI) જોવા મળી હતી. આ અભ્યાસમાં કિશોરો અને પુખ્ત વયના લોકોમાં BBV152 રસીની લાંબા ગાળાની સલામતી અંગે તપાસ કરાઈ હતી.

અભ્યાસ સ્પ્રિંગર નેચર નામના જર્નલમાં પ્રકાશિત કરાયો હતો. અગાઉ બ્રિટનની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની કોવિડ રસીથી લોહીના ગંઠાઈ જવું અને પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ બની શકે છે. જોકે કંપનીએ આડઅસર દુર્ભલ હોવાનું કહ્યું હતું.

જાન્યુઆરી 2022થી ઓગસ્ટ 2023 દરમિયાન હાથ ધરવામાં આવેલ અભ્યાસમાં જણાવાયું હતું કે લગભગ એક તૃતીયાંશ વ્યક્તિઓમાં AESI જોવા મળ્યું હતું. વેક્સિન લીધા પછી કિશોરોમાં ન્યૂ ઓનસેટ સ્કીન અને સબક્યુટેનીયસ ડિસઓર્ડર, જનરલ ડિસઓર્ડર અને નર્વસ સિસ્ટમની વિકૃતિઓ જેવી સૌથી વધુ ત્રણ સામાન્ય આડઅસર જોવા મળી હતી. અભ્યાસમાં BBV152 રસી લીધી હોય તેવા 635 કિશોરો અને 291 પુખ્ત વયના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. કિશોરોમાં કોમન AESIsમાં ન્યુ ઓનસેટ સ્કીન (10.5 ટકા), સામાન્ય વિકૃતિઓ (10.2 ટકા), અને ચેતાતંત્રની વિકૃતિઓ (4.7 ટકા)નો સમાવેશ થાય છે. આ વેક્સિન પછી 4.6 ટકા મહિલાઓમાં માસિક સ્રાવની અસામાન્યતા જોવા મળી હતી.

LEAVE A REPLY