સીધું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ) મેળવવામાં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું છે. વર્ષ 2023-24માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યોમાં વિદેશી મૂડી રોકાણ થયું હતું તેમાં ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા અડધાથી પણ ઓછુ મૂડી રોકાણ નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં આ સમયગાળામાં એક લાખ કરોડથી વધુ તો ગુજરાતમાં 48,410 કરોડ રૂપિયા મૂડી રોકાણ આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષના એફડીઆઇના આંકડા મુજબ મહારાષ્ટ્ર પ્રથમ નંબરે, કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી યોજાય છે. વાઇબ્રન્ટ સમિટ-2024માં રેકોર્ડબ્રેક 26.33 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ હતી. તે અંતર્ગત રાજ્યમાં 41,299 નવા પ્રોજેક્ટ સ્થપાશે. આટલા પ્રયાસ છતાં કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના આંકડા મુજબ ગુજરાત વિદેશી મૂડી રોકાણમાં હજુ પ્રથમ સ્થાને નથી. મહારાષ્ટ્રમાં મોટાપાયે સતત વિદેશી મૂડી રોકાણ થઇ રહ્યું છે અને 2023-24માં પણ તે પ્રવાહ જળવાયો છે. તો કર્ણાટકમાં ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત કરતા ઓછુ એફડીઆઇ છે પરંતુ છેલ્લા ચાર વર્ષની સરેરાશમાં કર્ણાટક પણ ગુજરાત કરતા આગળ છે. જો કે 2024ના વાઇબ્રન્ટ સમિટ બાદ સેમિ કન્ડક્ટર સહિત અનેક ક્ષેત્રમાં મોટાપાયે વિદેશી મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY