આવતા મહિને યુરોપમાં વ્યાપક ચૂંટણીઓ માટે કેમ્પેઇન આગળ વધશે ત્યારે માઇગ્રેશનનો મુદ્દો મહત્ત્વનો બની રહેશે તેવી અપેક્ષા છે. આ સ્થિતિમાં યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોએ તાજેતરમાં પ્રાંતની નિષ્ફળ આશ્રય વ્યવસ્થામાં જરૂરી વ્યાપક સુધારાને સમર્થન આપ્યું હતું
યુનિયન સરકારના પ્રધાનોએ માઇગ્રેશન અને આશ્રય અંગેના નવા કરારના 10 કાયદાકીય મુદ્દાઓને મંજૂરી આપી હતી. જેમાં 27 સભ્ય દેશો માટે મંજૂરી વગર પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોને નિયંત્રિત કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો અંતર્ગત તેઓ સુરક્ષા માટે લાયક છે કે કેમ તે સાબિત કરવા માટે તેમની તપાસ કેવી રીતે કરવી અને જો તેમને રહેવાની મંજૂરી નથી તો તેમને દેશનિકાલ કરવા સુધીના નિયમો બનાવવામાં આવ્યા છે.
હંગેરી અને પોલેન્ડ લાંબા સમયથી વિવિધ દેશો માટે માઇગ્રન્ટ્સને આવકારવાની અથવા તેમને સાચવવા માટે ખર્ચ કરવાની કોઈપણ જવાબદારીનો વિરોધ કરી રહ્યા છે, તેમણે પેકેજ વિરુદ્ધ મત આપ્યો છે પરંતુ તેને અટકાવવામાં અસમર્થ હતા.
મુખ્ય રાજકીય પક્ષો માને છે કે, આ સમજૂતી એવા મુદ્દાઓને ઉકેલે છે જેણે સભ્ય રાષ્ટ્રોને વિભાજિત કર્યા છે. કારણ કે 2015માં એક મિલિયનથી વધુ માઇગ્રન્ટ્સે યુરોપમાં પ્રવેશ કર્યો હતો, જેમાંથી મોટાભાગના સીરિયા અને ઇરાકમાં યુદ્ધના કારણે ભાગી ગયા હતા.
જોકે, આ વ્યાપક સુધારા પેકેજનો અમલ 2026માં થશે, જે યુનિયનના સૌથી મોટા એક રાજકીય સંકટને તાત્કાલિક ઉકેલશે નહીં. તેણે વિવિધ દેશોને એ મુદ્દે વિભાજિત કર્યા છે કે જ્યારે માઇગ્રન્ટ્સ આવે ત્યારે તેમની જવાબદારી કોણે લેવી જોઈએ અને તેમને મદદ કરવાનું અન્ય દેશોને ફરજિયાત સ્વીકાર્ય હોવું જોઇએ કે નહીં.