અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બુધવારે જણાવ્યું હતું કે ચૂંટાયેલી ઓફિસોમાં ભારતીય અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે આ લઘુમતી વંશીય સમુદાયના સભ્યોને વધુને વધુ ઓફિસો માટે ચૂંટણી લડવા અનુરોધ કર્યો હતો.
ભારતીય અને આફ્રિકન મૂળના હેરિસ ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ “ડેસીસ ડીસાઈડ”માં બોલી રહ્યાં હતા. ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ડેમોક્રેટિક પાર્ટીની થિન્ક ટેન્ક છે, જે દેશભરમાં ચૂંટણી લડતા ઇન્ડિયન અમેરિકનને ફંડ આપીને સપોર્ટ કરે છે. કમલા હેરિસની સ્પીચ સાંભળવા માટે વોશિંગ્ટન ડીસીમાં સેંકડો ઈન્ડિયન અમેરિકન હાજર હતાં.
વાઇસ પ્રેસિડન્ટ હેરિસે જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં ચૂંટણી પ્રક્રિયામાં ઈન્ડિયન અમેરિકનની હિસ્સેદારી વધી છે, પરંતુ આપણી વસ્તી જે રીતે વધતી જાય છે તે પ્રમાણે હિસ્સેદારી હજુ જોવા મળતી નથી.
હાલમાં અમેરિકન કોંગ્રેસમાં માત્ર પાંચ ચૂંટાયેલા ઈન્ડિયન અમેરિકન છે. તેમાં ડોક્ટર અમી બેરા, રાજા ક્રિષ્નામૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને શ્રી થાનેદારનો સમાવેશ થાય છે. ઇમ્પેક્ટનો અંદાજ છે કે 2024માં અમેરિકન કોંગ્રેસમાં ચૂંટાયેલા ઈન્ડિયન અમેરિકનોની સંખ્યા વધી 10 થશે.
અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસે કહ્યું કે તમે જાણો છો કે તમે એકલા નથી. આપણે એક દેશ તરીકે ઘણું કરવાનું છે અને આપણે બધા ઘણું બધું કામ કરી શકીએ છીએ. અમેરિકા લોકોને એક વચન આપે છે અને હું તેનો પૂરાવો છું. આગામી છ મહિનામાં અમેરિકામાં ચૂંટણી આવવાની છે. આપણે કેવા પ્રકારની દુનિયામાં અને કેવા પ્રકારના દેશમાં રહેવાનું છે તે આપણે નક્કી કરવાનું છે.
આ પછી કમલા હેરિસે ઈન્ડિયન અમેરિકનોને અમેરિકાના રાજકારણમાં સક્રિય થવાની અને મહત્ત્વના હોદ્દા માટે ચૂંટણી લડવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે હું 19 વર્ષની હતી ત્યારે મારી માતા ભારતથી અમેરિકા આવી હતી અને બર્કલીમાં સિવિલ રાઈટ્સના આંદોલનમાં ભાગ લીધો હતો, તેઓ સિવિલ રાઈટ્સ માર્ચમાં જોડાયા હતા. હું મોટી થતી હતી ત્યારે દર બે વર્ષે ભારતની મુલાકાત લેતી હતી. મારા નાના મને દરરોજ મોર્નિંગ વોક પર લઈ જતા હતા.
હાલમાં અમેરિકામાં ઈન્ડિયન અમેરિકનની સંખ્યા લગભગ 50 લાખની આસપાસ છે અને અમેરિકાની કુલ વસતીમાં ઈન્ડિયન અમેરિકનનો હિસ્સો 1.40 ટકા જેટલો થાય છે. અમેરિકામાં સાઉથ એશિયન અમેરિકનમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધારે છે. ચાઈનીઝ અમેરિકન પછી ભારતીઓ સૌથી મોટું ગ્રૂપ બનાવે છે તેથી રાજકારણમાં ઘણી પ્રગતિ કરી શકે તેમ છે. ચાઈનીઝ અમેરિકનની સંખ્યા લગભગ 53 લાખની આસપાસ છે અને ભારતીયો હવે તેનાથી બહુ પાછળ નથી.