કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન માટેના અભિગમને કારણે સરકાર છોડી દેનાર ભૂતપૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે ‘સાંસ્કૃતિક મુદ્દાઓ’ પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બ્રિટનમાં ઉંચા ઇમિગ્રેશને એકીકરણને “અશક્ય” બનાવ્યું છે અને સમુદાયો પર “વિશાળ દબાણ” ઉભુ કર્યું છે.
રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે ‘’ઉચ્ચ ઇમિગ્રેશન હાઉસિંગ અને જાહેર સેવાઓ પર “અતિશય દબાણ” લાવી રહ્યું છે, “સાંસ્કૃતિક મુદ્દાઓ” બનાવે છે અને હું માનતો નથી કે તે દેશને સમૃદ્ધ બનાવે છે. અમે એવો દેશ ઇચ્છીએ છીએ જ્યાં અભિપ્રાયની વિવિધતા હોય. પરંતુ જો લોકો મોટી સંખ્યામાં આવે છે તો તે એકીકરણને અશક્ય બનાવે છે અને તે સમુદાયો પર ભારે દબાણ લાવે છે. દેશમાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવાથી બ્રિટન “વધુ સંયોજક અને સંયુક્ત દેશનું નિર્માણ” કરી શકશે. જો સરકાર મતદારોને જીતવા માંગતી હોય અને રિફોર્મ યુકેના જોખમને દૂર કરવા માંગતી હોય તો ઋષિ સુનકે બ્રિટન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવાની તેમની યોજના અમલમાં મૂકવાની જરૂર છે.’’
ભૂતપૂર્વ હાઉસિંગ મિનિસ્ટર નીલ ઓ’બ્રાયન સાથે, જેનરિકે હોમ ઑફિસને વિભાજિત કરવાની હાકલ કરતાં કહ્યું હતું કે હોમ ઓફિસ બ્રિટનની સરહદોને સુરક્ષિત કરવામાં “અસક્ષમ” છે.
તેમણે રવાન્ડા સ્કીમની પણ ટીકા કરી બોર્ડર સિક્યુરિટી અને ઈમિગ્રેશન કંટ્રોલના નવા વિભાગની રચના કરવાની હિમાયત કરી હતી.