કિંગ ચાર્લ્સે તેમની પ્રિય માતા અને સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ II ના પગલે ચેરિટી લેપ્રાના પેટ્રન તરીકે સેવા આપીને પોતાનું સમર્થન ચાલુ રાખવાનું પસંદ કર્યું છે. લેપ્રાએ આ માટે ગર્વ અનુભવી સન્માનિત થયા હોવાનું જાહેર કર્યું છે.
રાજવી પરિવાર સાથે લેપ્રાના સંબંધોની શરૂઆત 1924માં થઈ હતી, જ્યારે પ્રિન્સ ઑફ વેલ્સ, ભાવિ રાજા એડવર્ડ VIII, બ્રિટિશ એમ્પાયર લેપ્રસી રિલીફ એસોસિએશન (BELRA)ના પેટ્રન બન્યા હતા, જે હવે લેપ્રા તરીકે ઓળખાય છે. તેમના પછી તેમના ભાઈ, મહામહિમ રાજા જ્યોર્જ VI અને તેમની પુત્રી હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ II 1952માં લેપ્રાના પેટ્રન બન્યા હતા.
સ્વ. મહારાણીને લેપ્રસીથી પીડાતા લોકો અને આ ચેરીટી માટે ઊંડી સહાનુભૂતિ હતી અને તેમના પેટ્રોનેજ દરમિયાન તેમણે અસરગ્રસ્ત લોકો અને સંસ્થા માટે અકલ્પનીય કરુણા દર્શાવી હતી. તેમણે રક્તપિત્ત અને લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ (LF) જેવા રોગો વિશેની ધારણાઓને પડકારવામાં મદદ કરી હતી.
બકિંગહામ પેલેસે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે સ્વ. મહારાણીની પસંદની 376 ચેરિટીનું સમર્થન કિંગ ચાર્લ્સ દ્વારા કરાશે. લેપ્રાને આ અંગે 7 મે 2024ના રોજ પેલેસ તરફથી એક પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.
કિંગ ચાર્લ્સ III લેપ્રાનું શાહી સમર્થન ચાલુ રાખવાના છે તે સમાચાર ચેરીટીના શતાબ્દી વર્ષમાં સંસ્થા માટે અવિશ્વસનીય સન્માન ઉપરાંત તેઓ જે લોકોને સમર્થન આપે છે તેમના માટે આશા અને એકતાનો સીધો અને બળવાન સંદેશ પણ છે. લેપ્રાના કાર્ય વિશે વધુ માહિતી માટે જુઓ: www.lepra.org.uk