આ વર્ષે ઈસ્ટલેઈ વિસ્તાર અને સાઉધમ્પ્ટનમાં એશિયન પરિવારોના 19 ઘરોમાં સોના-હીરાના દાગીનાની ચોરીના બનાવો બાદ હેમ્પશાયર પોલીસે એશિયન સમુદાયોને સતર્ક રહેવા વિનંતી કરી છે.
લોકોને સલાહ આપવા માટે ગયા મહિને સાઉધમ્પ્ટનના વૈદિક સોસાયટી હિન્દુ મંદિરની મુલાકાત લેનાર ઈસ્ટલેઈ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, ચીફ ઈન્સ્પેક્ટર મેટ પાલિંગે જણાવ્યું હતું કે ઘરફોડ ચોરીઓ ખૂબ જ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ છે. 22 કે 24 કેરેટનું સોનું એશિયન પરિવારોમાં ભેટ તરીકે ઘણીવાર ખરીદવામાં આવે છે, અને તે પેઢી દર પેઢી સંતાનોને અપાય છે. જેથી નોંધપાત્ર રીતે તે ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે. અમે સોનાની ચોરીમાં વધારો જોયો છે અને હું સમુદાયને આશ્વાસન આપવા માંગુ છું કે અમે અમારાથી બનતું બધું કરી રહ્યા છીએ અને જાગ્રત રહેવા માંગીએ છીએ.”
હેમ્પશાયરના ચિલવર્થમાં 15 માર્ચે પ્રીતિ નય્યરના ઘરની કન્ઝર્વેટરીના દરવાજાને તોડીને ઘુસેલા ચાર માણસોએ શ્રીમતી નય્યરના ઘરમાંથી £20,000ની કિંમતના સોનાના દાગીના ચોરી ગયા હતા. બે લૂંટારુઓને જોઇ ગયેલા નય્યરે ચીસો પાડતા તેઓ નીચે ભાગ્યા હતા. તેઓ ઘરના સીસીટીવીમાં કેદ થયા હતા. તેમણે અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુઓ લીધી ન હતી માત્ર તેઓ સોના પાછળ હતા.
ડોર્સેટ પોલીસે જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે આઠ ચોરીઓમાં લગભગ £90,000નું સોનું ચોરાયું હતું. 2023માં, કુલ 13 બનાવોમાં £330,000થી વધુ સોનુ ચોરાયુ હતું.
સરે પોલીસે નોંધ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં સોનાની ચોરીની 23 ઘટનાઓ બની છે, જેમાં કુલ £110,000 કરતાં વધુ મૂલ્યનું સોનું ચોરાયું છે. ગયા વર્ષે 36 ઘટનાઓમાં કુલ £25,000 ની કિંમતનું સોનું ચોરાયુ હતું.
પોલીસ બેંક અથવા સેફ્ટી ડિપોઝિટ બોક્સ જેવા સુરક્ષિત સ્થાન પર સોનું રાખવા અને ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવા વિનંતી કરી છે. પૂલ, ડોર્સેટમાં કાવ્યા જગિયાસીના ઘરે ગયા વર્ષે ત્રાટકોલા ચોરોએ આશરે £3,000નું સોનું અને થોડી રોકડની ચોરી કરી હતી.
કેમ્બર્લી, સરેના નીરજ શાહના ઘરમાંથી થોડા વર્ષો પહેલા ચોરોએ આશરે £7,000ની કિંમતનું સોનું ચોરી લીધું હતું.
રેડિંગ, બર્કશાયરમાં રહેત મિસ્ટર સિંઘના ઘરના પેશિયોના દરવાજા તોડીને એપ્રિલમાં લગભગ £10,000 સોનું ચોરાયું હતું. તેઓ લેપટોપ જેવી અન્ય કિંમતી ચીજવસ્તુઓ ચોરી ન હતી.