વુલ્વરહેમ્પટનના ડનસ્ટોલ હિલ ખાતે તા. 11ને શનિવારના રોજ સવારે 2 વાગ્યે એક ઘરમાં આગ લાગવાથી બે મહિલાઓના મૃત્યુ થયા હતા અને ચાર લોકો દાઝી ગયા હતા જે પૈકી ત્રણને ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ એક મહિલાની હાલત ગંભીર છે. હત્યાની શંકાના આધારે પોલીસે તા. 12ના રોજ 46 વર્ષીય ત્રીજા પુરુષની ધરપકડ કરી છે.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે મોતને ભેટેલી બે મહિલાઓ વીસીની છે અને આ અગાઉ 19 અને 22 વર્ષની વયના બે પુરૂષોની શનિવારે જ હત્યાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેમની પૂછપરછ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. તેઓ મહિલાઓના જાણીતા હોવાનું સમજાય છે.
વુલ્વરહેમ્પટન પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ રિચર્ડ ફિશરે જણાવ્યું હતું કે “અમારા વિચારો બે દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવનાર મહિલાઓના પ્રિયજનો સાથે છે. અમે જાણીએ છીએ કે સમુદાયમાં દરેક માટે આ કેટલું અસ્વસ્થ છે, અને અમે આ ભયંકર આગનું કારણ શોધવા માટે શક્ય તેટલી સંવેદનશીલતાથી કામ કરી રહ્યા છીએ. આ એક ખૂબ જ સક્રિય તપાસ છે અને જે બન્યું તેના જવાબો મેળવવા માટે અમે શક્ય તેટલું બધું કરીએ તે મહત્વપૂર્ણ છે.”
તપાસ ચાલુ હોવાથી ઘેરાબંધી યથાવત છે અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કોઈપણ માહિતી ધરાવનારને તા. 11 મે અને નંબર 360 ક્વોટ કરવા જણાવ્યું છે.