વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ આશરે ₹3 કરોડછે, પરંતુ તેમની પાસે કોઈ જમીન, મકાન કે કાર નથી. વડાપ્રધાન મોદીએ મંગળવારે વારાણસી બેઠક પરથી ઉમેદવારી કરતી વખતે સુપરત કરેલી ચૂંટણી એફિડેવિટમાં આ માહિતી જાહેર કરી હતી.
આ એફિડેવિટમાં વડાપ્રધાન મોદીએ કુલ ₹3.02 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જેમાંથી મોટાભાગની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ₹2.86 કરોડની ફિક્સ ડિપોઝિટ છે. તેમના હાથમાં કુલ રોકડ ₹52,920 છે. ગાંધીનગર અને વારાણસીના બે બેંક ખાતામાં તેમની પાસે ₹80,304 છે.
વડાપ્રધાન મોદીએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ₹9.12 લાખનું રોકાણ કરેલું છે અને તેમની પાસે ₹2.68 લાખની કિંમતની સોનાની ચાર વીંટી પણ છે. તેમની આવક 2018-19માં ₹11.14 લાખ હતી, જે 2022-23માં ₹23.56 લાખ થઈ હતી.
વડાપ્રધાન મોદી 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક અને 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ આર્ટસ પૂર્ણ કર્યું હતું. તેમની સામે કોઈ ગુનાહિત કેસ પેન્ડિંગ નથી.