રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રવિવારે રસાકસીભર્યા મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવી સતત પાંચમો વિજય હાંસલ કર્યો હતો અને એ રીતે પ્લે ઓફ્સમાં પહોંચવાની તક જીવંત રાખી હતી. રજત પાટીદારે 32 બોલમાં 52 અને વિલ જેક્સે 29 બોલમાં 41 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો, તો કેમરન ગ્રીને અણનમ 32 કર્યા હતા.
આ રીતે, બેંગલોરે 9 વિકેટે 187 રનનો પ્રમાણમાં પડકારજનક સ્કોર કરી દિલ્હીને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીના આ મેચ પુરતા સુકાની અક્ષર પટેલે ટોસ જીતી બેંગલોરને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હી તરફથી ખલિલ એહમદ અને રસિખ દારે બે-બે વિકેટ લીધી હતી, તો ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. કુલદીપ આશ્ચર્યજનક રીતે સૌથી મોંઘો સાબિત થયો હતો, તેણે ચાર ઓવરમાં 52 રન આપી એક વિકેટ લીધી હતી.
બેંગલોરની ઈનિંગ પુરી થયા દિલ્હીના રનચેઝનો આરંભ જ કંગાળ રહ્યો હતો અને ડેવિડ વોર્નર ફક્ત 1 રન કરી પહેલી જ ઓવરમાં વિદાય થયો હતો. ચોથી ઓવરમાં તો દિલ્હીએ ફક્ત 30 રન સુધી પહોંચતા ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એ તબક્કે અક્ષર પટેલ અને શે હોપે 56 રનની ભાગીદારી કરી ટીમને વિજયની શક્યતા બતાવી હતી, પણ એ પછી હોપ અને પછી ટ્રિસ્ટાન સ્ટ્બ્સની વિકેટો ઉપરાઉપરી ઓવર્સમાં ગુમાવી દિલ્હીએ તક હાથમાંથી સરી જવા દીધી હતી. અક્ષર પટેલે સૌથી વધુ – 39 બોલમાં 57 તથા શે હોપે 23 બોલમાં 29 રન કર્યા હતા, તો જેક ફ્રેઝર મેકગર્ગ ફક્ત 8 બોલમાં 21 રન કરી રનાઉટ થઈ ગયો હતો.
બેંગલોર તરફથી યશ દયાલે ફક્ત 3.1 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી, તો કેમરન ગ્રીન અને મોહમદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરના પહેલા બોલે દિલ્હી ફક્ત 140 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું. કેમરન ગ્રીન પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.