લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવારે સવારે મતદાનનો પ્રારંભ થયો હતો. લોકસભાની બેઠકો પર કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં છે. 8.73 મહિલાઓ સહિત 17.70 કરોડથી વધુ મતદારો માટે 1.92 લાખ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.
સોમવારે તેલંગાણાની 17, આંધ્રપ્રદેશની 25, ઉત્તરપ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ તથા જમ્મુ અને કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ પાસે આ 96 બેઠકોમાંથી 40થી વધુ બેઠકો પર હાલમાં સાંસદો છે તેથી આ ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ છે.
ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મોહઆ મોઇત્રા અને AIMIM’ના અસદુદ્દીન ઓવૈસી જેવા દિગ્ગજ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય થશે. સોમવારે આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ 175 બેઠકો પર પણ મતદાન થશે. આ તબક્કામાં ઓડિશાની 28 જેટલી વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે.
લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીના અંતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ (કનૌજ, યુપી), કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજ સિંહ (બેગુસરાય, બિહાર), નિત્યાનંદ રાય (ઉજિયારપુર, બિહાર), કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ટીએમસીના ઉમેદવાર તથા ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (બંને બહેરામપુર, બંગાળ), ભાજપના પંકજા મુંડે (બીડ, મહારાષ્ટ્ર), AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ, તેલંગાણા) અને આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાયએસ શર્મિલા (કડપા), ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા, ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિન્હા, ભાજપના પશ્ચિમ બંગાળ પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના કીર્તિ આઝાદ સહિતના ઉમેદવારોના ભાવિ મતદાતા નિર્ધારિત કરશે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા સુધી અત્યાર સુધીમાં કુલ 543માંથી 283 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે.
પ્રતિષ્ઠિત શ્રીનગર લોકસભા બેઠક પર 24 ઉમેદવારો મેદાનમાં છે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં આ પ્રથમ મોટી ચૂંટણી છે. નેશનલ કોન્ફરન્સે પ્રભાવશાળી શિયા નેતા આગા સૈયદ રૂહુલ્લા મેહદીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે યુવા નેતા વાહીદ પારા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. અપની પાર્ટીએ અશરફ મીરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે ચૂંટણી લડ્યો નથી.
લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં અનુક્રમે 66.14 ટકા, 66.71 ટકા અને 65.68 ટકા મતદાન થયું હતું.
ભારત હવામાન વિભાગ (IMD)ની આગાહીને ટાંકીને ચૂંટણી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ચોથા તબક્કામાં મતદાન માટે ગરમીને લઇને કોઈ નોંધપાત્ર ચિંતા નથી, કારણ કે ચૂંટણી યોજાવાની છે તેવા વિસ્તારોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચું રહેવાની ધારણા છે અને મતદાનના દિવસે આ વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ નહીં હોય.