પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં મોંઘવારી, ઊંચા ટેક્સ અને વીજળીની ભારે અછત સામે લોકોના વિરોધી દેખાવો આઝાદીના આંદોલનમાં ફેરવાઈ ગયા હતા. છેલ્લાં બે દિવસથી લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી શનિવારે તાજી અથડામણમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને 90 અન્ય ઘાયલ થયા હતાં.
પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવા માટે આપવામાં આવેલી હડતાલને પગલે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં વ્યાપક હિંસા થઈ હતી. હડતાલના એલાનને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું અને તેમાં વેપાર ધંધા બંધ રહ્યાં હતા.
મીડિયાના અહેવાલો અનુસાર દેખાવકારો પર પોલીસની કડક કાર્યવાહીનો વિરોધ કરવા માટે માટે જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JKJAAC) શટર-ડાઉન અને વ્હીલ-જામ હડતાલનું એલાન આપ્યું હતું. દેખાવકારોએ સુરક્ષદળો પર પથ્થરમારો કર્યો હતો. તેના જવાબમાં પોલીસે ટીયરગેસના શેલ છોડ્યાં હતા.
શુક્રવારની હડતાલના એલાનને પીઓકેની સમાહની, સેહંસા, મીરપુર, રાવલકોટ, ખુઇરટ્ટા, તત્તાપાની અને હટ્ટિયન બાલાનો સહિતના વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળી હતી. મુઝફ્ફરાબાદ અને મીરપુર ડિવિઝનમાં રાત્રે દરોડા પાડીને પોલીસે ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કર્યા પછી JKJAACએ હડતાળનું આહ્વાન કર્યું હતું. સમિતિએ અગાઉ 11 મેના રોજ મુઝફ્ફરાબાદ તરફ લોંગ માર્ચ કરવાની યોજના જાહેર કરી હતી.
JKJAAC લાંબા સમયથી વીજળી બિલ પર લાદવામાં આવેલી જંગી ટેક્સનો વિરોધ કરી રહ્યું છે. ગયા વર્ષના ઓગસ્ટમાં સમિતિએ આવી જ શટર-ડાઉન હડતાળનું એલાન કર્યું હતું.
11મેની હડતાલને ધ્યાનમાં રાખીને પીઓકેના મુખ્ય સચિવ, દાઉદ મુહમ્મદ બરીચે ઇસ્લામાબાદમાં ગૃહ વિભાગના સચિવને પત્ર લખીને સુરક્ષા હેતુઓ માટે નાગરિક સશસ્ત્ર દળો (CAF)ની છ ટુકડીની માગણી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે હડતાલના એલાનને પગલે સરકારે સમગ્ર PoKમાં કલમ 144 લાગુ કરી હતી અને 10 અને 11 મેના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજાઓની જાહેરાત કરી હતી. જોકે, PoKના તમામ જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. રાજ્યમાં લોકો હાઇડ્રો પાવરના ઉત્પાદન ખર્ચને આધારે વીજળી પૂરી પાડવાની માગણી કરી રહ્યાં છે.
ધ ડોન અખબારે અહેવાલ આપ્યો હતો કે મુઝફ્ફરાબાદ ડિવિઝનના ત્રણ જિલ્લાઓમાં બેંકો સહિત તમામ વ્યવસાયો બંધ રહ્યા હતાં. હડતાલને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.