(ANI Photo)

ઉત્તરપ્રદેશના લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તમે ઇચ્છો તો હું તમને લેખિતમાં આપી શકું છું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનવાના નથી. સત્તાધારી ભાજપને લોકસભા ચૂંટણીમાં 180થી ઓછી બેઠકો મળશે.

સંવિધાન સંમેલન નામના આ કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવા 100 ટકા તૈયાર છે, પરંતુ હું જાણું છું કે વડાપ્રધાન મારી સાથે ચર્ચા નહીં કરે. તેમણે ઉમેર્યું હતું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ચર્ચામાં ભાગ લઈ શકે છે.

કોંગ્રેસે પણ ભૂલો કરી હોવાનું સ્વીકારતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પણ આવનારા સમયમાં તેની રાજનીતિ બદલવી પડશે. આવું કરવું જ પડશે. હું એ પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીએ પણ ભૂલો કરી છે અને હું કોંગ્રેસ પાર્ટીમાંથી રહીને આ કહી રહ્યો છું. જોકે કોંગ્રેસમાં કયા સુધારાની જરૂર છે તેનો ફોડ પાડ્યો  ન હતો.

વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નથી, તેઓ એક રાજા છે. તેમને કેબિનેટ, સંસદ કે બંધારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ 21મી સદીના રાજા છે અને વાસ્તવિક સત્તા ધરાવતા બે કે ત્રણ ફાઇનાન્સરોનું મહોરું  છે.

LEAVE A REPLY