ઉત્તરાખંડની વિખ્યાત  ચારધામ યાત્રા ગત અખાત્રીજના દિવસે શુક્રવારથી  શરૂ થઈ ગઈ છે. કેદારનાથધામના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી. એકસાથે યાત્રાળુઓ આવવાના કારણે વહીવટીતંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા બીજે દિવસે શનિવારે ખુલ્યા હતા.  જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થયા હતા.  આ યાત્રાધામોમાં કાતિલ ઠંડી પડતી હોવા છતાં હજારોની સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડ્યા  છે.  કેદારનાથમાં લગભગ 1500 રૂમ છે, જે હાઉસફુલ થઈ ગયા છે. રજિસ્ટર્ડ 5,545 ખચ્ચર બુક કરવામાં આવ્યા છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY