પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ (EAC-PM)ના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે દેશની કુલ વસ્તીમાં બહુમતી હિન્દુ ધર્મના પ્રમાણમાં 1950થી 2015 વચ્ચે 7.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે, જ્યારે સંખ્યાબંધ પડોશી દેશોમાં બહુમતી મુસ્લિમ ધર્મની વસ્તીમાં ઉછાળો આવ્યો છે. ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 1950માં 84 ટકા હતો, જે 2015માં 78 ટકા થયો હતો, આની સામે આ સમયગાળામાં મુસ્લિમોનો હિસ્સો 9.84 ટકાથી વધીને 14.09% થયો હતો.

મુસ્લિમો ખતરામાં હોવાની રાજકીય ચર્ચા વચ્ચે  કાઉન્સિલે આ વર્ષે મે મહિનામાં એક અભ્યાસ જારી કર્યો હતો. તેમાં વૈશ્વિક ડેટાસેટ્સ અને પરિદ્રશ્યનું વિશ્લેષણ કરીને જણાવાયું છે કે ભારતમાં લઘુમતીઓ માત્ર સુરક્ષિત નથી, પરંતુ ફુલીફાલી રહી રહી છે. અભ્યાસમાં વિશ્વના 167 દેશોના ટ્રેન્ડનું મૂલ્યાંકન કરાયું હતું.

દેશમાં હિંદુઓની વસ્તી ઘટી છે, જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સહિત લઘુમતીઓનો હિસ્સો વધ્યો છે. જોકે વસ્તીના પ્રમાણમાં જૈન અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

1950 અને 2015ની વચ્ચે ભારતમાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો 43.15 ટકા, ખ્રિસ્તીઓના હિસ્સામાં 5.3 ટકા, શીખોના હિસ્સામાં 6.58 ટકા વધારો થયો છે. બૌદ્ધો ધર્મના લોકોના પ્રમાણમાં પણ થોડો વધારો થયો છે.

નજીકના પડોશી દેશોમાં ભારતમાં બહુમતી ધર્મના લોકોના પ્રમાણમાં બીજા ક્રમે સૌથી મોટો ઘટાડો થયો છે. મ્યાનમારમાં સૌથી વધુ 10 ટકાનો ઘટાડો થયો છે.

ભારત ઉપરાંત નેપાળના પણ કુલ વસ્તીમાં બહુમતી સમુદાય હિંદુઓના પ્રમાણમાં 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અભ્યાસના લેખકોએ જણાવ્યું છે કે બહુમતી ધર્મની વસ્તીના સંદર્ભમાં ભારતનો ટ્રેન્ડ વૈશ્વિક પ્રવાહો સાથે સુસંગત છે. કેટલાક વર્ગોના શોરબકોરથી ડેટાનું કાળજીપૂર્વક વિશ્લેષણ દર્શાવે છે કે ભારતમાં લઘુમતીઓ માત્ર સુરક્ષિત નથી, પરંતુ ખરેખર ભારતમાં સમૃદ્ધ થઈ રહ્યાં છે.

LEAVE A REPLY