લંડનના હૃદયમાં લેસ્ટર સ્ક્વેર ખાતે બુધવારે એક રંગીન ભવ્ય સમારોહ દ્વારા ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેન ગૃપ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિને ચિહ્નિત કરતા પર્વ ગુજરાત ડે તથા ધ બીગ ગરબાના ભવ્ય રંગીન પ્રદર્શન સાથે ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણીની ઉજવણી કરાઇ હતી.

આ કાર્યક્રમમાં લાઇવ ગરબાના કારણે સેન્ટર સ્ટેજ ઊર્જાથી ધબકી ઉઠ્યું હતું. પરંપરાગત નૃત્ય કલાકારોથી લઈને ઉત્સાહી સહભાગીઓના નૃત્યો અને ગરબા સંગીતના લયબદ્ધ ધબકારા સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા હતા, અને ઉપસ્થિત ટુરીસ્ટો સાથે સૌ કોઇને ઉજવણીમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હતા.

ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેનના રશ્મિ મિશ્રાએ કહ્યું હતું કે “અમે અહીં લેસ્ટર સ્ક્વેર ખાતે ગુજરાત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ કારણ કે અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ ભારતની સંસ્કૃતિ જુએ. અમે ઘણા લોકો ગરબા અને નૃત્ય સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી સાથે મહારાષ્ટ્રના સ્થાપના દિનની ઉજવણી થઇ રહી છે જે માટે તેને પણ અભિનંદન છે. આજે અમે અહીં આ ઉત્સવ દ્વારા શાંતિ અને પ્રેમનો સંદેશો ફેલાવીએ છીએ.”

ધ બીગ ગરબા સાથે ભવ્ય ઉજવણીનો હેતુ ગરબા વિશે જા ગૃતિ લાવવાનો, વિશ્વને ગરબા વિશે જણાવવાનો અને વંશીય પોશાકનું પ્રદર્શન કરવાનો, આપણા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાનો, બ્રિટિશ ભારતીયોને સાથે લાવવા અને એકતા દર્શાવવાનો, ગરબાને એક તરીકે સમાવિષ્ટ કરવાની ઉજવણી કરવાનો હતો.

ધ બીગ ગરબાની શરૂઆત 14મી એપ્રિલે કિંગ્સ ક્રોસ સ્ટેશન ખાતે ઉજવણી સાથે થઈ હતી. તે પછી 21મી એપ્રિલે લંડન ટાવર બ્રિજ પાસે ‘ધ સ્કૂપ એટ મોર’ ખાતે ઉજવણી સાથે થઈ હતી. આખરી ફાઇનલ 1લી મે ગુજરાત ડેના રોજ પિકાડિલી સર્કસ/લેસ્ટર સ્ક્વેર ખાતે થઇ હતી. આ કાર્યક્રમને વિવિધ સંસ્થાઓ અને ડાન્સ સ્કૂલોએ સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમના આયોજનમાં સ્વયંસેવકો રશ્મિ મિશ્રા, શ્વેતા ખન્ના, જય દેસાઈ, નેહા પ્રેમગી, યશ્મા બક્ષી, અંજલિ શર્મા, નેહા ગુપ્તા, સીમા ખંડેલવાલ, રાજશ્રી વ્યાસ, સારિકા હાંડા, સોનિયા જોશી, દર્શના શાહ, હીનબા ઝાલા, શિપ્રા ગોમ્સ, બેતાનિયા ફર્નાન્ડેસે મદદ કરી હતી.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત દિવસ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને લોકોની જીવંત ભાવનાને યાદ કરી હતી.

તા. 1 મે, 1960 ના રોજ અમલમાં આવેલા બોમ્બે પુનર્ગઠન અધિનિયમ પસાર થયા પછી બોમ્બે રાજ્યનું વિભાજન કરીને 1960માં ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કરવામાં આવી હતી.

LEAVE A REPLY