વડા પ્રધાન ઋષિ સુનકે લંડનના એંજલમાં આવેલા ગો ધાર્મિક કિચનની મુલાકાત લઇ સંસ્થાના
સ્વયંસેવકો સાથે રસોડામાં શાકભાજી સમારવાથી લઇને પૌષ્ટિક, ઓછી ખર્ચાળ, પર્યાવરણને અનુકૂળ એવી વીગન ખીચડી તૈયાર કરવા ઉપરાંત ફૂડ પાર્સલ પેક કરી સંસ્થાની કામગીરી વિષ રોચક માહિતી મેળવી હતી.
ગો ધર્મિકની “ફીડ એવરીવન” પહેલના ભાગરૂપે વિશ્વના વિવિધ ભાગોમાં
વહેંચવામાં આવતા ભોજન, કાર્યકરોની સેવા-કામગીરી વગેરે અંગે વડા પ્રધાન સુનકે સમર્પિત ગો ધાર્મિક સ્વયંસેવકો તથા ગો ધાર્મિકના સ્થાપક, હનુમાન દાસ પાસેથી સંસ્થાની કરુણાની દ્રષ્ટિ વિશે સમજ મેળવી હતી.
આ કાર્યક્રમમાં, સેન્ટ્રલ લંડન, વેમ્બલી, લુટન, હેરો, નોર્થમ્પ્ટન, લેસ્ટર, ગ્લાસગો અને એડિનબરા સહિત સમગ્ર યુકેના ગો ધાર્મિકના કેટલાક ટ્રસ્ટીઓ અને મુખ્ય સ્વયંસેવકોએ સંસ્થાની નોંધપાત્ર સામાજિક અસર અંગે માહિતી આપી કહ્યું હતું કે તેમના સમુદાયોમાં સંવેદનશીલ વ્યક્તિઓને સામૂહિક રીતે દર મહિને 50,000થી વધુ ભોજન પીરસવામાં આવે છે.
મુલાકાતને પ્રતિબિંબિત કરતા, ગો ધાર્મિકના સ્થાપક, હનુમાન દાસે કહ્યું હતું કે “અમે ગો ધાર્મિક માટે વડાપ્રધાનની સેવા અને અમારા સ્વયંસેવકો સાથે હાથ મિલાવવાની તેમની ઈચ્છાથી ખૂબ પ્રભાવિત થયા છીએ. તેમને ધર્મ અને અમારા મિશનમાં સાચો રસ છે. રાષ્ટ્રના નેતા દ્વારા દયાનું આ ગહન કાર્ય આગામી ઘણા વર્ષો સુધી વધુ સેવા અને વધુ સ્વયંસેવકોને પ્રેરણા આપશે.’’
શ્રી દાસે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ”તેમણે સ્વયંસેવકોને રસોડામાં સેવા આપવા, સમુદાયોની સેવા કરવા અને ગો ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે વિચારો મેળવવાના તેમના હેતુ વિશે પૂછ્યું હતું. તેમણે તમામ સ્વયંસેવકોને માનવતા અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા બદલ અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને સ્વેચ્છાએ શાકભાજી કાપવામાં, ફૂડ પાર્સલ પેક કરવામાં અને વીગન ખીચડી બનાવવામાં ભાગ લીધો હતો. તેમણે હિંદુ ધર્મ, તેનું મૂલ્ય અને સેવામાં ઊંડો રસ દાખવી અનુરોધ કર્યો હતો કે સૌ સ્વયંસેવકો તેમને પણ ગો ધાર્મિકના સ્વયંસેવકોમાંના એક માને. અમારા માટે, તેમની મુલાકાત ખૂબ જ વિશેષ છે અને અમને અમારી પ્રવૃત્તિઓ વધુને વધુ વ્યાપક રીતે કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વડા પ્રધાનની મુલાકાતથી, અમે બધા પ્રેરિત થયા છીએ અને વધુ સેવા કરવા માટે ઊર્જા મેળવીએ છીએ.”
યુકેના પ્રથમ બ્રિટીશ હિંદુ વડા પ્રધાન સુનકે ગો ધાર્મિકના સ્વયંસેવકો સાથે સેવા આપીને બતાવ્યું છે કે ધર્મનો તે વિચાર તેમના માટે કેટલો મહત્વપૂર્ણ છે.
નવેમ્બર 2023માં, તેમણે દિવાળીના શુભ અવસર દરમિયાન ગો ધાર્મિકના સ્થાપકો હનુમાન દાસ અને શીના રાંદેરવાલાને ‘પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ’ એનાયત કર્યો હતો.
ગો ધર્મિક, એક આંતરરાષ્ટ્રીય માનવતાવાદી અને પર્યાવરણીય NGO છે જે સામાજિક કાર્યોની ઝુંબેશ દ્વારા પ્રેમ અને કરુણા ફેલાવવા માટે વિશ્વભરના લોકોને એક કરે છે. હનુમાન દાસ દ્વારા 2011માં સ્થપાયેલ સંસ્થા ગો ધર્મિક 10,000 થી વધુ સ્વયંસેવકોનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે અને લંડન, ગ્લાસગો, અમદાવાદ, કોલકાતા અને જ્યોર્જિયા સ્થિત 5 ઓફિસોમાંથી કાર્ય કરે છે.
સંસ્થાએ અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 22 મિલિયનથી વધુ ભોજનનું વિતરણ કરી ભારતમાં સમર્થિત 108 કરતાં વધુ શાળાઓની સ્થાપના કરી છે. સંસ્થાએ શિક્ષણ, સ્વચ્છતા અને ખાદ્ય અભિયાનો દ્વારા 8,900 કરતા વધુ બાળકોને લાભ આપ્યો છે અને 260,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે.
ગો ધાર્મિકે યુકે, ભારત, નેપાળ, મોરોક્કો, લેબનોન, યુગાન્ડા, નાઇજીરીયા, ક્યુબા, યુએસએ, યુક્રેન, પોલેન્ડ, રોમાનિયા અને ઓસ્ટ્રેલિયામાં ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે.
www.godharmic.com