બીજી મે’ના રોજ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ્સ પાર્ટીએ છેલ્લા 40 વર્ષમાં સૌથી ખરાબ ચૂંટણી પરિણામોનો સામનો કરવો પડ્યો છે અને લીબરલ ડેમોક્રેટ્સ કરતા પણ ઓછી કાઉન્સિલ અને બેઠકો અંકે કરીને ત્રીજા સ્થાન પર આવી ગઇ છે. કારમી હારને પગલે વડા પ્રધાન ઋષિ સુનકનું નેતૃત્વ ભારે દબાણ હેઠળ આવી ગયું છે અને ખુદ સુનકે સ્વીકાર્યું છે કે કન્ઝર્વેટિવ પક્ષ કદાચ આગામી સામાન્ય ચૂંટણી જીતી શકશે નહીં અને યુકે ત્રિશંકુ સંસદના રાહ પર છે.
લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે જોરદાર જીત બાદ વડા પ્રધાન સુનકને સ્પષ્ટ સંદેશ આપતાં X પર લખ્યું હતું કે “બ્લેકપૂલ સાઉથના મતદારોએ ઋષિ સુનકને સીધો સંદેશ મોકલ્યો છે: રસ્તો બનાવો, ચાલો સામાન્ય ચૂંટણી કરીએ. ફક્ત લેબર બ્રિટનનું ભવિષ્ય પાછું મેળવી શકે છે.”
સ્ટાર્મરે નવા સાંસદ ક્રિસ વેબને અભિનંદન આપવા ગયા ત્યારે અન્ય મુલાકાતમાં જણાવ્યું હતું કે “બ્લેકપૂલ આખા દેશ માટે બોલે છે કે, ‘અમારી પાસે હવે પૂરતું છે, 14 વર્ષની નિષ્ફળતા, 14 વર્ષના પતન પછી, અમે પૃષ્ઠ ફેરવવા માંગીએ છીએ અને લેબર સાથે નવેસરથી શરૂઆત કરવા માંગીએ છીએ. દેશભરના લોકોએ ટોરીની અરાજકતા અને ઘટાડાનો સામનો કર્યો છે અને લેબરને પરિવર્તન માટે મત આપ્યો છે.”
તો વડા પ્રધાન ઋષિ સુનકે રવિવારે શરમજનક ચૂંટણી પરિણામો બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના કાર્યકરોને હંમેશાની જેમ સખત કામ કરવાનું વચન આપતા નિવેદનમાં જણાવ્યું હતું કે “વેસ્ટ મિડલેન્ડ્સમાં સમર્પિત કન્ઝર્વેટીવ કાઉન્સિલરો અને એન્ડી સ્ટ્રીટને ગુમાવવા નિરાશાજનક છે. અમારી યોજના પર પ્રગતિ કરવાનું ચાલુ રાખવાનો મારો સંકલ્પ બમણો થયો છે. અમે લડાઈને લેબર સુધી લઈ જવા અને આપણા દેશ માટે ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે હંમેશની જેમ સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું.”
પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાને લંડનના મેયર તરીકે સીમાચિહ્નરૂપ સતત ત્રીજી વખત જીત મેળવી છે અને કન્ઝર્વેટિવ હરીફ સુસાન હોલને 276,000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા. લેબરના મતોમાં 3.2%નો વધારો કરવા સાથે ખાન 14માંથી 9 મતવિસ્તારોમાં જીત્યા હતા. તેમણે બે મતવિસ્તારો તો ટોરીઝ પાસેથી આંચકી લીધા હતા.
ઇંગ્લેન્ડના વિવિધ 11 શહેરોમાં યોજાયેલી મેયરના પદ માટેની ચૂંટણીઓમાં એક માત્ર ટીસ વેલીની બેઠક પર કન્ઝર્વેટિવના બેન હાઉચેન જીતી શક્યા હતા. બાકીની 10 બેઠકો પર લેબરના તમામ ઉમેદવાર મેયર તરીકે જીતી ગયા હતા. વેસ્ટ મિડલેન્ડ્સની મેયરની રેસમાં લેબરના રિચાર્ડ પાર્કરે કન્ઝર્વેટિવના એન્ડી સ્ટ્રીટને માત્ર 1,508 મતોથી હરાવ્યા હતા. તો એન્ડી બર્નહામ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે 63.4 ટકા મત મેળવી ત્રીજી વખત જીત્યા હતા અને વેસ્ટ યોર્કશાયરમાં ટ્રેસી બ્રેબિને મેયર તરીકે જીત હાંસલ કરી છે.
આખા વેસ્ટ મિડલેન્ડ્સનું પરિણામ કન્ઝર્વેટિવ્સ માટે આઘાતજનક રહ્યું છે જેમાં એક માત્ર બેન હાઉચેન ટીસ વેલીમાં ટોરી મેયર તરીકે જીતી શક્યા છે. પણ સામે પક્ષે લેબર પાર્ટીએ બ્લેકપૂલ સાઉથની પેટાચૂંટણીમાં ટોરી બહુમતીને ઉથલાવી દીધી હતી.
બ્લેકપૂલ સાઉથમાં લેબરના ઉમેદવાર ક્રિસ વેબે કન્ઝર્વેટિવ્સના ડેવિડ જોન્સનને હરાવ્યા હતા અને 1945 પછીની પેટાચૂંટણીમાં લેબરે પહેલી વખત 26 ટકા મતોનો ત્રીજો સૌથી મોટો સ્વીંગ મેળવ્યો હતો. બ્લેકપૂલ સાઉથની હાર ટોરીઝની આ સંસદની 11મી પેટાચૂંટણીની હાર હતી, જે 1960ના દાયકાના અંતથી કોઈપણ સરકાર કરતા સૌથી વધુ છે.
કાઉન્સિલની ચૂંટણીઓની વાત કરીએ તો લેબરે ઇંગ્લેન્ડ આખામાં કુલ 51 કાઉન્સિલો અંકે કરી 8 કાઉન્સિલનો વધારો કર્યો છે. લિબરલ ડેમોક્રેટે 12 કાઉન્સિલ પર કબ્જો જમાવ્યો છે અને 2 કાઉન્સિલનો વધારો કર્યો છે. પરંતુ ટોરી પાર્ટી માત્ર 6 કાઉન્સિલ પર જ જીતી શકી હતી અને કુલ 10 કાઉન્સિલ ગુમાવી હતી.
ઈંગ્લેન્ડની તમામ 107 કાઉન્સિલમાં લેબરે 1,158 બેઠકો જીતી છે અને તેને 186 બેઠકોનો ફાયદો થયો છે. લિબરલ ડેમોક્રેટ્સે ટોરીઝને હરાવીને બીજા સ્થાને આવી કુલ 522 બેઠકો જીતી છે જે 104 વધુ છે. કારમી હારનો સામનો કરતા કન્ઝર્વેટિવ્સે માત્ર 515 સીટો જીતી હતી અને શરમજનક રીતે 474 બેઠકો ગુમાવી હતી. અપક્ષોએ 228 બેઠકો, ગ્રીને 181 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
ઓપિનિયન પોલ્સ આગાહી કરે છે કે લેબર આગામી રાષ્ટ્રીય ચૂંટણી જીતશે અને સર કેર સ્ટાર્મરને સત્તા પર લઈ જશે. જેમાં બ્રિટનમાં કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષનો અંત આવશે.
સુનકે આગામી વર્ષની 28 જાન્યુઆરી સુધીમાં રાષ્ટ્રીય મત મેળવવાનો આદેશ આપવાનો રહે છે અને તેમણે કહ્યું છે કે તે 2024ના બીજા ભાગમાં ચૂંટણીની યોજનાઓ બનાવી રહ્યા છે.
પક્ષની કારમી હારને જોતા સુનકના વિરોધીઓની આગેવાની લેનાર ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને વડા પ્રધાનને મતદારોનો વિશ્વાસ પાછો જીતવા માટે ટેક્સ કાપ અને કાનૂની સ્થળાંતર પરની મર્યાદા માટે વિનંતી કરતાં કહ્યું છે કે ‘’નેતૃત્વમાં પરિવર્તનની સંભાવના નથી કેમ કે કોઈ સુપરમેન અથવા સુપરવુમન નથી જે બદલાવ લાવી શકે.”
ગુજરાતીઓની વાત કરીએ તો લંડન એસેમ્બલીમાં સીટી એન્ડ ઇસ્ટ બેઠક પરથી લેબરના ઉન્મેષ દેસાઈ અને બ્રેન્ટ અને હેરો બેઠક પરથી લેબરના કૃપેશ હિરાણી જીતી આવ્યા છે.
આ ચૂંટણીઓમાં આશ્ચર્યજનક રીતે એક નવા પરિમાણનો પણ ઉમેરો થયો છે. ગાઝા – ઇઝરાયેલ સંઘર્ષની રાજનીતિને યુકેમાં લાવવામાં આવી હતી અને મુસ્લિમ મતદારોને ફક્ત પેલેસ્ટાઈન તરફી ઉમેદવારોને જ સમર્થન આપવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.