ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા પર જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પર વધુ આર્થિક બોજો આવવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયન સરકારે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા માટે જરૂરી નાણાકીય જરૂરિયાતોમાં વધારો કર્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ વિદેશી વિદ્યાર્થીઓના વધી રહેલા માઇગ્રેશનને નિયંત્રણમાં લેવાનો છે. આ નવો નિયમ શુક્રવારથી અમલમાં આવશે. જે મુજબ વિદેશી વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછું 29710 ઓસ્ટ્રેલિયન ડોલરનું ભંડોળ દર્શાવવું પડશે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સાત મહિનામાં બીજીવાર આ વધારો કર્યો છે. અગાઉ ઓક્ટોબરમાં 21041 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારી 24505 ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દર્શાવવાનો નિયમ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 2022માં કોવિડ-19ના પ્રતિબંધો દૂર કરતાં વિદેશી વિદ્યાર્થીઓનું માઈગ્રેશન વધ્યું હતું, જેના કારણે ઓસ્ટ્રેલિયાના રેન્ટલ માર્કેટમાં તેજી જોવા મળી હતી. માર્ચમાં સરકારે સ્ટુડન્ટ વિઝા માટે અંગ્રેજી ભાષાની જરૂરિયાતમાં પણ વધારો કર્યો હતો. આ અંગે સરકારે 34 શૈક્ષણિક સંસ્થાઓને યોગ્યતા ન ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાની સૂચના આપતો પત્ર લખ્યો હતો. ગૃહ પ્રધાન ક્લેર ઓ’નીલએ જણાવ્યું હતું કે, જો આ સંસ્થાઓ આવા મુદ્દે સાવચેતી નહીં રાખે તો ચોક્કસ પેનલ્ટી ફટકારવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં ઇન્ટરનેશનલ શિક્ષણનો ફાળો વધુ છે, જેણે 2022-23માં 36.4 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાના પગલે દેશમાં રેન્ટલ ખર્ચ વધ્યો છે. નેટ ઈમિગ્રેશન 30 સપ્ટેમ્બર, 2023ની સ્થિતિએ 60 ટકા વધીને 548, 800 નોંધાયું હતું.