ભારતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના 300 સીનિયર કેબિન ક્રુ અચાનક સામુહિક રીતે બીમારીની રજા પર જતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધીમાં 78 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ કર્મચારીઓએ છેલ્લી ઘડીએ બીમાર હોવાની સૂચના આપ્યા પછી પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા.
એર ઇન્ડિયાનું સંચાલન ભારત સરકાર પાસેથી તાતા ગ્રુપ પાસે જતાં એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો માંદગીની રજા છે. સોમવારે સાંજથી ઘણા કર્મચારીઓએ આવી રજાની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને તેમની અછતના કારણે કોચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ક્રૂ મેમ્બર્સના સિક લીવના રીપોર્ટ પછી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. કંપની આટલી મોટી સંખ્યામાં ક્રુ મેમ્બર્સના બીમાર હોવા અંગે તેનાં કારણોને સમજવા માટે તેમનો સંપર્ક કરી રહી છે અને ટીમ આ મુદ્દાનું સમાધાન કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અમારા મુસાફરોની નિષ્ઠાપૂર્વક માફી માગીએ છીએ. જેમની ફ્લાઇટ્સ રદ્ થઇ છે તેમને સંપૂર્ણ રીફંડ અથવા બીજા દિવસની ટિકિટ આપવામાં આવશે. અમારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં તેમની ફ્લાઈટની સ્થિતિ જાણી લે.