અમેરિકામાં નોકરીની વૃદ્ધિમાં મોટી મંદી વચ્ચે દેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ આ વર્ષે ઉનાળામાં ઇન્ટર્નશીપ મેળવવામાં ભારે સંઘર્ષ કરી રહ્યા છે.
વર્તમાન સમયમાં, ખૂબ જ સ્પર્ધાત્મક નોકરીના ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા કામનો અનુભવ મેળવવા માટે ઇન્ટર્નશીપને નિર્ણાયક માનવામાં આવે છે, પરંતુ ઘણા સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રતિષ્ઠિત આઇવી લીગ યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ સહિત ઘણા વિદ્યાર્થીઓ તે મેળવવાનો પડકાર અનુભવી રહ્યા છે.
અમેરિકામાં ઇન્ડિયન-અમેરિકન પ્રોફેશનલ્સ, ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષણ સલાહકારોના જણાવ્યા મુજબ, વૈશ્વિક આર્થિક મંદીના કારણે પ્રથમ કક્ષાની નોકરીની તકોમાં ઘટાડો થયો છે. ચૂંટણીના વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને નોકરી પર રાખવાની કંપનીઓની પસંદગીના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ છે. ઊંચો ફુગાવો, વધી રહેલો જીવન નિર્વાહ ખર્ચ, સ્થાનિક બેરોજગારી અને સ્પોન્સરશિપના મુદ્દાઓએ આ વર્ષે અમેરિકામાં સ્નાતક થનારા ભારતીય વિદ્યાર્થીઓ સામેના પડકારોને વધુ ગંભીર બનાવ્યા છે.
આ અંગે એજ્યુકેશન કન્સલ્ટિંગ કંપની કોલેજીફાઇના સહ-સ્થાપક આદર્શ ખંડેલવાલે મીડિયા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, “ઇસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટમાં આઇવી લીગ સ્કૂલો સહિત અંતિમ વર્ષમાં અંદાજે 400 વિદ્યાર્થીઓ સ્નાતક થઇ રહ્યા હતા, તેમનું મેં વર્ષોથી કાઉન્સિલિંગ કર્યું હતું, તેમને આ ઉનાળામાં ઇન્ટર્નશિપની કોઈપણ તકો મળી નથી.” હાર્વર્ડ યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા જેવી ઉત્તરપૂર્વીય અમેરિકાની આઠ જાણીતી ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરતી આઇવી લીગ તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામાજિક પ્રતિષ્ઠા માટે જાણીતી છે.
અગાઉ જેમની ખૂબ જ માગ હતી તે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ક્ષેત્રોના વિદ્યાર્થીઓ પણ પડકારોનો સામનો કરી રહ્યા છે.