REUTERS/Anushree Fadnavis

ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 61.55 ટકા મતદાન થયું હતું. રાજકીય હિંસા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટાછવાયા બનાવો બન્યાં હતાં. ત્રીજા તબક્કાના મતદાનને અંતે આશરે 120 મહિલા સહિત કુલ આશરે 1,300 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયાં હતાં.

ચૂંટણીપંચના રાત્રે આઠ વાગ્યા સુધીના ડેટા મુજબ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 56.83 ટકા મતદાન થયું હતું. આસામમાં સૌથી વધુ 75.30 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ ગોવામાં 74.32 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.93 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 54.98 ટકા મતદાન થયું હતું, જ્યારે બિહાર 56.83 ટકા મતદાન થયું હતું.

મતદાન સમાપ્ત થવાનો સત્તાવાર સમય સાંજે 6 વાગ્યાનો છે, પરંતુ મતદાતાઓ લાઇનમાં ઊભા હોય તો સત્તાવાર સમય પછી પણ મતદાનની છૂટ આપવામાં આવે છે. તેથી મતદાનના આંકડામાં વધારો થઈ શકે છે.

અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં 57.34 ટકા, છત્તીસગઢમાં 67.07 ટકા, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં 65.23 ટકા, કર્ણાટકમાં 68.14 ટકા અને મધ્યપ્રદેશમાં 63.22 ટકા મતદાન નોંધાયું હતું.

ભાજપના ઉમેદવારોમાં અગ્રણી કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પરષોત્તમ રૂપાલા (રાજકોટ), પ્રહલાદ જોશી (ધારવાડ) અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ છે, જ્યારે કોંગ્રેસ તરફથી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ સહિતના નેતાઓનું ભાવિ મતદારો ઇવીએમમાં સીલ થયું હતું. અમિત શાહ ગાંધીનગર (ગુજરાત) બેઠક પરથી, સિંધિયા ગુના (મધ્યપ્રદેશ), શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠક અને દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ચૂંટણી મેદાનમાં અન્ય દિગ્ગજ નેતાઓમાં મૈનપુરી (ઉત્તર પ્રદેશ) સંસદીય મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડિમ્પલ યાદવની પત્ની અને ધુબરી (આસામ) બેઠક પરથી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલ છે. મહારાષ્ટ્રમાં બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે મુકાબલો છે.

મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં. ત્રીજા રાઉન્ડની ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે 2019માં ભાજપે ગુજરાત, છત્તીસગઢ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિપક્ષના સુપડા સાફ કર્યા હતા.

ત્રીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને તેના ‘ન્યાય પત્ર’ના મુદ્દે ઘેરી હતી અને રાહુલ ગાંધીને શાહજાદા ગણાવ્યાં હતાં. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને મહેલોમાં રહેતા ‘શહેનશાહ’ ગણાવ્યાં હતાં. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થયું હતું. પ્રથમ તબક્કામાં 66.14 ટકા જ્યારે બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીનું પરિણામો 4 જૂને જાહેર થશે.

LEAVE A REPLY