ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મંગળવારે, સાત મેએ સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. લોકસભાની કુલ 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતની ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં 2014 અને 2019ની પોતાની ક્લિન સ્વીપનું પુનરાવર્તન કરવાની આશા રાખે છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે તેને આશા છે કે વિપક્ષી મતોના વિભાજનને રોકવા માટેનું આ પગલું ભાજપને 2014 અને 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરતા અટકાવશે.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, 50,788 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 2.56 કરોડ પુરૂષો, 2.41 કરોડ સ્ત્રીઓ અને 1,534 થર્ડ જેન્ડર સહિત કુલ 4.97 કરોડ મતદાતા છે. શહેરી વિસ્તારોમાં 17,275 મતદાન મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં 33,513 મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે.
ચૂંટણી પંચ (EC)એ કહ્યું હતું કે તેને રાજ્યમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 50,960 બેલેટ યુનિટ (BU), 49,140 કંટ્રોલ યુનિટ (CUs) અને 49,140 VVPAT તૈનાત કર્યા છે.
હીટવેવને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા
એડિશન મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યે જણાવ્યું હતું કે ગુજરાતનું ચૂંટણી તંત્ર મતદારો માટે મતદાન પ્રક્રિયા એક સુખદ અનુભવ બનાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.”મતદાનના દિવસે હીટવેવની શક્યતાને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પૂરતો છાંયો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ કીટ, આવશ્યક દવાઓ અને ORS સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
7 મેના રોજ જે 25 બેઠકો માટે મતદાન થશે, તેમાંથી અમદાવાદ (પૂર્વ)માં સૌથી વધુ 18 ઉમેદવારો છે. સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલીમાં છે. નવસારીમાં સૌથી વધુ 22 લાખ મતદારો છે, જ્યારે સૌથી ઓછા ભરૂચમાં છે.
સહીમાં ગેરરીતિના કારણે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું નોમિનેશન નામંજૂર થયા બાદ સુરતમાંથી મુકેશ દલાલ બિનહરીફ જીત્યા થયા હતા
મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહ તેમજ તેમના કેબિનેટ સાથીદારો મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે, જેઓ પોરબંદર અને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
રૂપાલાની ટીપ્પણીનો વિવાદ
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો. રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું હતું કે રાજા-રજવાડાઓએ અંગ્રેજો અને અન્ય વિદેશી આક્રમણકારો સાથે “રોટી અને બેટી” વ્યવહાર કર્યાં હતા. રૂપાલા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સામે છે. ધાનાણીએ 2002ની વિધાનસભા ચૂંટણીમાં રૂપાલાને હરાવ્યા હતાં.
કોંગ્રેસ-AAP ગઠબંધન
આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનના ભાગરૂપે 24 બેઠકો અને આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે. કોંગ્રેસે આ બેઠકો પર ચાર વર્તમાન અને આઠ ભૂતપૂર્વ ધારાસભ્યો સહિતના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, AAPને ભાવનગર અને ભરૂચ આપવામાં આવી છે.
ભાજપ માટે ગઢ ગણાતા ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને શાહ અમિત શાહે સંભાળી હતી. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સ્ટાર પ્રચારકોમાં હતા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં એક રેલીને સંબોધિત કરી હતી. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ અને નિર્મલા સીતારમણ તથા કોંગ્રેસ તરફથી અશોક ગેહલોત, શશિ થરૂર, અભિષેક સંઘવી અને પવન ખેરાએ પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના AAPના પ્રચારમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ અને ગોપાલ યાદવની રેલીઓ જોવા મળી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાનના પત્ની સુનીતા કેજરીવાલે પણ ભરૂચમાં રોડ શો કર્યો હતો.