(ANI Photo)

કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે લખનઉને તેના હોમ ગ્રાઉન્ડ ઉપર જ 98 રનથી હરાવી આઈપીએલ 2024ના સૌથી મોટા માર્જીનના વિજયમાંનો એક નોંધાવ્યો  હતો. કોલકાતા તરફથી ઓલરાઉન્ડર સુનિલ નારાયણે ઝંઝાવાતી બેટિંગ અને પછી વેધક બોલિંગ દ્વારા લખનઉને હરાવવામાં મોખરાની ભૂમિકા ભજવી હતી, જે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. કોલકાતાએ 6 વિકેટે 235 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો, તેની સામે લખનઉ 16.1 ઓવરમાં ફક્ત 137 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ.

લખનઉના સુકાની કે. એલ. રાહુલે ટોસ જીતી કોલકાતાને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો, પણ ફિલ સોલ્ટ અને સુનિલ નારાયણે ચોથી ઓવરમાં જ 50 રન ઝુડી નાખ્યા હતા. પાંચમી ઓવરમાં સોલ્ટની વિકેટ પડી ત્યારે કોલકાતાના 61 રન થઈ ગયા હતા. એ પછી સુનિલ નારાયણ અને ત્રીજા ક્રમે આવેલા એ. રઘુવંશીએ પણ ધમાકેદાર બેટિંગ કરી 12મી ઓવરના અંતે તો ટીમને 140 રને પહોંચાડી દીધી હતી.

એ તબક્કે નારાયણ 7 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 39 બોલમાં 81 રન કરી વિદાય થયો હતો. ફિલ સોલ્ટ તથા રઘુવંશીએ 32-32 રન કર્યા હતા, તો રમણદીપ સિંઘે ફક્ત 6 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ 25 રન કર્યા હતા.  લખનઉએ સાત બોલર્સ અજમાવ્યા હતા, જેમાંથી રવિ બિશ્નોઈ ચાર ઓવરમાં 33 રન આપી એક વિકેટ સાથે સૌથી વધુ અસરકારક બોલર સાબિત થયો હતો, તો બે ઓવરમાં એકપણ વિકેટ લીધા વિના 29 રન આપી સૌથી વધુ મોંઘો રહ્યો હતો.

જવાબમાં લખનઉ 16.1 ઓવરમાં ફક્ત 137 રન સુધી પહોંચતા ઓલઆઉટ થઈ ગયું હતું. 21 બોલમાં 36 રન સાથે સ્ટોઈનિસ સૌથી વધુ રન કરી શક્યો હતો, તો સુકાની રાહુલે 21 બોલમાં 25 રન કર્યા હતા, બાકીના કોઈ બેટર 16થી વધુ રન કરી શક્યા નહોતા. કોલકાતા તરફથી હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીએ 3-3 તથા આંદ્રે રસેલે  બે વિકેટ લીધી હતી. સુનિલ નારાયણે ચાર ઓવરમાં ફક્ત 22 રન આપી એક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY