ગુજરાતમાં 7મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન પહેલા અમદાવાદની સંખ્યાબંધ સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતા સોમવારે ઇ-મેઇલ મળ્યા હતાં. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ સ્કૂલોમાં જઇને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું.
તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યા આ પ્રકારના ઇ-મેઇલ મોકલાયા હતા. અમદાવાદ સિટીના ડીસીપી કંટ્રોલ જણાવ્યું હતું કે ગભરાવાની કે અફવા ફેલાવાની જરૂર નથી…5-6 શાળાઓને બોમ્બ વિસ્ફોટ અંગે મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.અમે તપાસ કરી રહ્યા છીએ.
મીડિયા રીપોર્ટ મુજબ ગુરુકુલની એશિયા સ્કૂલ, થલતેજની આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબર સ્કૂલ અને એસજી રોડ પરની કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોને આવા ઇ-મેઇલ મળ્યાં હતા.
દિલ્હીની અનેક શાળાઓને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળ્યાના થોડા દિવસોમાં અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 1 મેના રોજ કુલ 131 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાં હતાં.