ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ત્રણ ભારતીયોની ધરપકડના અહેવાલ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે કેનેડામાં જે થઈ રહ્યું છે તે મોટાભાગે તેમના આંતરિક રાજકારણને લીધે છે અને તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. ભારતને દોષ આપવો તે કેનેડાની રાજકીય મજબૂરી છે. કેનેડામાં ચૂંટણી આવી રહી હોવાથી તેઓ વોટબેંકની રાજનીતિમાં વ્યસ્ત છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતની ટીકા શા માટે કરી રહ્યા છે તે પ્રશ્નના જવાબમાં જયશંકરે આ ટીપ્પણી કરી હતી. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે દેશને વિકસિત ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદી જેવા મજબૂત અને સક્રિય વડાપ્રધાનની જરૂર છે. વૈશ્વિક સ્તરે ભારતની ઇમેજ હવે પહેલા કરતાં ઘણી ઊંચી છે. તેમાં કેનેડા એક અપવાદ છે.
તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાન તરફી લોકોનો એક વર્ગ કેનેડાની લોકશાહીનો ઉપયોગ કરી રહ્યો છે, લોબી બનાવી રહ્યો છે અને વોટબેંક બની ગયો છે. કેનેડામાં સત્તાધારી પક્ષની સંસદમાં બહુમતી નથી અને કેટલાક પક્ષો ખાલિસ્તાન તરફી નેતાઓ પર નિર્ભર છે. અમે તેમને ઘણી વખત સમજાવ્યા છે કે તેઓ આવા લોકોને વિઝા, કાયદેસરતા અથવા રાજકીય સ્થાન ન આપે. પરંતુ કેનેડાની સરકારે કંઈ કર્યું નથી. ભારતે 25 લોકોના પ્રત્યાર્પણની માંગ કરી હતી, જેમાંથી મોટાભાગના ખાલિસ્તાન તરફી છે, પરંતુ કેનેડાએ કોઈ ધ્યાન આપ્યું નથી.