કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ શનિવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના લાખણી ખાતે પક્ષનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો હતો. ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ યોજાવાની છે ત્યારે પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનની શરુઆત મા અંબાના જયકારા સાથે કર્યો હતો. તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાની સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપી છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શહેનશાહ કહીને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદીજી ગુજરાતને ભૂલી ગયા છે, એટલે જ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર ન થયા હોત તો અહીંથી ચૂંટણી કેમ નથી લડતા ? શા માટે તેઓ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. મોદીજીએ 10 વર્ષમાં જો કોઈ કામ કર્યું હોઈ તો તે બંધારણ દ્વારા અપાયેલા અધિકારોને નબળા બનાવવાનું કર્યું છે. પહેલાના વડાપ્રધાન સામાન્ય લોકો પાસે જતા અને તેની સમસ્યાઓને સાંભળતા હતા, જ્યારે આજના વડાપ્રધાન મોટા ઉદ્યોગપતિઓ અને બીજા દેશનાં વડાપ્રધાનો સાથે જ જોવા મળે છે. તમે ક્યારેય ગરીબો સાથે કે દેશના ખેડૂતો સાથે તેમને નહિ જોયા હોય.
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભામાં પરષોત્તમ રુપાલા પર પણ પ્રહાર કર્યા હતા. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ મુદ્દે પણ વડાપ્રધાન મોદીને સવાલો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે અહિં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન થયું છે, પણ વડાપ્રધાન મોદીએ શું ઉમેદવારને હટાવ્યા? તમારી માગણી ફક્ત તે ઉમેદવારને હટાવવાની હતી, પણ તેમને ન હટાવ્યાં. હું વચન આપું છું કે જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરીશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ. જ્યાં જ્યાં મહિલાઓનું અપમાન થયું છે ત્યાં ત્યાં મોદી સરકારે મહિલાઓનું અપમાન કરનારનો સાથ આપ્યો છે. ઓલોમ્પિકમાં જ્યારે મહિલાઓ એવોર્ડ જીતીને આવી ત્યારે મોદીજી તેની સાથ ફોટા પાડવા ગયા હતા, પરંતું તેમની પર જ્યારે અત્યાચાર થયા અને તેમને રસ્તા પર ઉતરવું પડ્યું ત્યારે વડાપ્રધાને કોઇ મદદ નહોતી કરી.