યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમ (USCIRF)ના તાજેતરના વાર્ષિક રીપોર્ટમાં ભારતમાં કથિત ધાર્મિક સ્વાતંત્ર્યના વિવિધ ઉલ્લંઘન બદલ ટીકા કરવામાં આવી હતી, જે આંશિક માહિતીનો ઉપયોગ કરીને સત્ય વિહોણો છે. વિદેશવાસી ભારતીય બુદ્ધિજીવીઓએ આ રીપોર્ટને ન સ્વીકારવા માટે યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટને વિનંતી કરી હતી. આ રીપોર્ટમાં કમિશને ભલામણ કરી હતી કે, ભારતને “કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન (સીપીસી)” તરીકે જાહેર કરવામાં આવે, અને આક્ષેપ મુક્યો હતો કે ત્યાં ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
ભારતે, અમેરિકન કોંગ્રેસ દ્વારા નિયુક્ત કમિશનના રીપોર્ટને પોતાના દેશમાં ચૂંટણીની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરવાનો અને વાર્ષિક રીપોર્ટના નામે દેશ વિરુદ્ધ પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, “આ કમિશન રાજકીય એજન્ડા ધરાવતી પક્ષપાતી સંસ્થા તરીકે ઓળખાય છે. તેઓ વાર્ષિક રીપોર્ટના ભાગરૂપે ભારત વિરુદ્ધ તેનો સતત પ્રચાર કરે છે.”
બીજી તરફ ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS) દ્વારા USCIRFના રીપોર્ટને પક્ષપાતી ઠેરવવામાં આવ્યો હતો, જેમાં આંશિક માહિતી અને ખામીયુક્ત તારણો રજૂ કરવામાં આવ્યા હતા. FIIDSના નીતિ અને વ્યૂહરચના બાબતોના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે, આ રીપોર્ટમાં “તથ્યોની બાદબાકી, આંશિક માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સંપૂર્ણ બાબતને છુપાવવામાં આવી છે, જુદી જુદી ઘટનાઓને સામાન્ય બનાવવા અને જમીન સંબંધિતના કાયદાના અમલીકરણ સામે પ્રશ્ન ઉઠાવવા પર આધારિત છે.”