કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠીની જગ્યાએ રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે શુક્રવારે ગાંધી પરિવારની ગઢ ગણાતી હાઇ-પ્રોફાઇલ બેઠકો અમેઠી અને રાયબરેલી માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ગઇ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક પર ભાજપના સ્મૃતિ ઇરાની સામે હારી ગયા હતાં, તેથી આ વખતે તેમને જોખમ લેવાનું પસંદ કર્યું નથી. રાયબરેલી બેઠક પર અત્યાર સુધી સોનિયા ગાંધી ચૂંટણી લડતાં હતાં, પરંતુ આ વખતે તેમણે પોતાના પુત્રને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે અમેઠી બેઠક માટે કિશોરી લાલ શર્માને પસંદ કર્યા છે.
રાયબરેલી બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત પછી તરત જ રાહુલ ગાંધી તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે તેમની માતા સોનિયા, બહેન પ્રિયંકા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ખાનગી વિમાનમાં રાયબરેલી પહોંચ્યાં હતા. માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભર્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ રાહુલ ગાંધી સાથે હતા
રાયબરેલી કોંગ્રેસ માટે સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક માનવામાં આવે છે. 1952 પછીથી અત્યાર સુધીની 20 ચૂંટણીઓમાંથી કોંગ્રેસે 17માં જીત મેળવી છે. ઈમરજન્સી પછી 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીના રાજ નારાયણ સામે આ બેઠક પર ઈન્દિરા ગાંધીનો પરાજય થયો હતો. અગાઉ આ બેઠકનું પ્રતિનિધિત્વ રાહુલ ગાંધીના દાદા અને ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી કરી ચૂક્યા છે.
રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર મતદાન થઈ ગયું છે. તેથી જો બંને બેઠકો પર રાહુલ ગાંધીનો વિજય થશે તો કોઇપણ એક બેઠક છોડવી પડશે.