ઇસ્ટ લંડનના બર્ગહોલ્ટ એવન્યુ, ઇલફર્ડના 43 વર્ષના ગોહેર અયુબને બળાત્કાર બદલ દોષીત ઠેરવી સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે 22 એપ્રિલના રોજ છ વર્ષની જેલની સજા ફટકારી હતી. નિષ્ણાત ડિટેક્ટિવ્સ દ્વારા તપાસ કરાયા બાદ સજા કરાઇ હતી.

ડિટેક્ટીવ કોન્સ્ટેબલ મેટ ટ્રેનફિલ્ડ-બ્રાઉને કહ્યું હતું કે “આ કેસ એક ઉદાહરણ છે કે ગમે તેટલા વર્ષો વીતી ગયા હોય પણ અમે ભયંકર ગુનાઓ માટે ન્યાય મેળવી શકીએ છીએ. અમે અયુબને સજા કરાવવા અન્ય દળના સાથીદારો અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે અથાક મહેનત કરી હતી. તેણે આજીવન સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં સહી કરવી પડશે. અયુબની જાણ કરવામાં પીડિત મહિલાની હિંમત બદલ અમે તેના ખૂબ આભારી છીએ.”

અયુબને ઓળખતી એક મહિલાએ 2020માં અન્ય પોલીસ ફોર્સ એરિયામાં પોલીસનો સંપર્ક કરીને જાણ કરી હતી કે અયુબે મે 2004 અને જાન્યુઆરી 2012 વચ્ચે તેનું ભાવનાત્મક, શારીરિક અને જાતીય શોષણ કરી ઘણી વખત બળાત્કાર અને હુમલો કર્યો હતો.

મેટ પોલીસના અધિકારીઓએ મહિલા સાથે વાત કરી તપાસ આદરી સાક્ષીઓ અને તબીબી પુરાવા મેળવી પૂછપરછ હાથ ધરી ડિસેમ્બર 2020માં અયુબની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ગુનાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પુરાવા બાદ એપ્રિલ 2023માં તેના પર આરોપ મૂકાયો હતો.

LEAVE A REPLY