સાઉથ લંડનના ક્રોયડનમાં એશ ટ્રી વે ખાતે રહેતી 19 વર્ષીય મહેક શર્માની જીવલેણ છરા મારી હત્યા કરનાર તેણીના 24 વર્ષના પતિ સાહિલ શર્માને શુક્રવાર, 26 એપ્રિલના રોજ કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે ઓછામાં ઓછા 15 વર્ષની સજા સાથે આજીવન કેદની સજા ફટકારી હતી. સાહિલે ગુરુવાર, 8 ફેબ્રુઆરીના રોજ અગાઉની કોર્ટની સુનાવણીમાં હત્યા માટે દોષીત હોવાનું કબૂલ્યું હતું.
29 ઓક્ટોબર 2023 ના રોજ બપોરના 4:15 કલાકના સુમારે સાહિલ શર્માએ 999 નંબર ડાયલ કરી પોલીસ ઓપરેટરને જણાવ્યું કે તેણે એશ ટ્રી વે પર તેમના ઘરે તેની પત્નીની હત્યા કરી છે. પોલીસે ધટના સ્થળે જઇને તપાસ કરતા મહેક ગરદન પર છરીની ઇજાઓ સાથે મળી આવી હતી. તબીબોના પ્રયત્નો છતાં તેણીને લગભગ 20 મિનિટ પછી મૃત જાહેર કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ તપાસમાં મહેકના મૃત્યુનું કારણ ગળામાં છરાના ઘા જણાયા હતા.
મહેકની માતાના નિવેદનમાં જણાવાયું હતું કે “મારી પુત્રી પાછી મળે તે શક્ય નથી. કોઈપણ પ્રાર્થના કે પૈસા કે ટેકો તેણીને મારી પાસે પાછી લાવશે નહીં. હું ભાંગી પડી છું. સાહિલે માત્ર મહેકની હત્યા જ નથી કરી, મને લાગે છે કે તેણે મને પણ મારી છે.’’
ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બનતા હો, અથવા કોઈને જાણતા હો, અને કોઈનું જીવન જોખમમાં હોય, તો તાત્કાલિક પોલીસને 999 ઉપર કૉલ કરવા વિનંતી છે.
સાહિલ શર્મા ભારતીય નાગરિક છે અને તેની ઘટના સ્થળેથી ધરપકડ કરી માથામાં સામાન્ય ઈજા થઈ હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મહેક તાજેતરમાં જ યુકે આવી હોવાનું માનવામાં આવે છે.