દારૂનો નશો કરી જોખમી ડ્રાઈવિંગ કરીને રાહદારી વૃધ્ધ કિશોર કુમાર ગિલનું મૃત્યુ નિપજાવનાર પાર્ક એવન્યુ, સાઉથોલના 21 વર્ષના તરનજીત મુલતાનીને 29 એપ્રિલના રોજ ઓલ્ડ બેઈલી કોર્ટ ખાતે નવ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
તેણે વેસ્ટ લંડનના ગ્રીનફર્ડ રોડ, ગ્રીનફર્ડ ખાતે રહેતા 59 વર્ષીય કિશોર કુમાર ગિલને અકસ્માત કરી ઇજા પહોંચાડી હતી. મુલતાનીએ અકસ્માત વખતે દારૂની પ્રતિબંધિત મર્યાદા કરતાં વધુ નશો કરેલો હતો અને 20 માઇલ પ્રતિ કલાકની ઝડપ ધરાવતા રોડ પર ઓછામાં ઓછા 65 માઇલ પ્રતિ કલાકની ઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.
એક નિવેદનમાં, ગિલ પરિવારે કહ્યું હતું કે “કિશોર કુમાર ગિલને નવ બાળકો અને 13 પૌત્ર-પૌત્ર-પૌત્રીઓ હતા. તેઓ સ્વસ્થ અને ફિટ હતા, નિયમિત જીમમાં જતા હતા અને પરિવારને પ્રેમ કરતા હતા. પણ માત્ર 59 વર્ષની ઉંમરે તેમનું જીવન અટકી ગયું હતું.
15 ફેબ્રુઆરી 2022 ના રોજ મળસ્કે 5:35 કલાકે મુલતાનીની વોક્સવેગન પોલો કાર ગ્રીનફર્ડ રોડ પર બિંગલી રોડ, ગ્રીનફોર્ડ સાથેના જંક્શન પર શ્રી ગિલ સાથે અથડાઈ હતી. ઈમરજન્સી સેવાઓના પ્રયાસો છતાં ગિલને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતા. મુલતાની થોડા સમય પછી ગ્રીનફર્ડ રોડ પર રોકાતા તેની ધરપકડ કરાઇ હતી.