યુકેના ઇતિહાસમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સૌ પ્રથમ વખત સોમવારે તા. 29ના રોજ મહાવીર જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને યુકેના જૈન સમુદાયની “અન્યોની સેવા” કરવાની માન્યતાની સરાહના કરી હતી.
ડાઉડેને ઉપસ્થિત રહેલા 150 જેટલા જૈન અગ્રણીઓ અને બિઝનેસમેનને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’હું જૈન સમુદાયના કાર્યોને જાણું છું કેમ કે હર્ટફર્ડશાયરનું નોર્થો ઓશવાલ સેન્ટરનું
ઘર છે અને મારો મતવિસ્તાર હર્ટસ્મીયર છે. ઓશવાલ એસોસિએશન ઓફ ધ યુકે (OAUK) બ્રિટનના સૌથી મોટા જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મને હર્ટસ્મીયરના સંસદસભ્ય તરીકેની મારી ભૂમિકા પર ખૂબ જ ગર્વ છે અને તેનું એક કારણ અદ્ભુત રીતે વૈવિધ્યસભર સમુદાય છે જેનું હું પ્રતિનિધિત્વ કરું છું અને તે વિવિધ પ્રકારના સમુદાયના હૃદયમાં જૈન ધર્મ પણ છે.”
ડાઉડેને કહ્યું હતું કે “હું મારા સ્થાનિક જૈન મંદિરોની મુલાકાતો અને તેના સભ્યોને મળવાથી જાણું છું કે તેઓ હંમેશા પોતાની જરૂરિયાતો અન્યની સેવા માટે એક બાજુએ મૂકે છે, પછી ભલે તે સમુદાયના વૃદ્ધ સભ્યોને મદદ કરવાની હોય કે પછી પ્રાણીઓનું કલ્યાણ કરતી સ્થાનિક સખાવતી સંસ્થાઓને સહાય કરવાની હોય. દરેક જીવ માટેનો આદર, તમારા મૂલ્યો, તમારી માન્યતાઓના કેન્દ્રમાં છે અને તે જ રીતે આપણા મૂલ્યો અને આપણી માન્યતાઓના કેન્દ્રમાં હોવો જોઈએ.”
ડાઉડેને કહ્યું હતું કે “જેમ આપણે ભગવાન મહાવીરના જન્મ દિવસને ચિહ્નિત કરીએ છીએ, તે શાંતિ, આધ્યાત્મિકતા, પ્રકૃતિની જાળવણી અંગેની તેમના ઘણા સમજદાર ઉપદેશોને પ્રતિબિંબિત કરવાની એક ક્ષણ છે – આ એવા ઉપદેશો છે જેનાથી આપણે બધા ઘણું શીખી શકીએ છીએ અને જીવી શકીએ છીએ. ખરેખર, કલ્પના કરો કે માત્ર જૈનો જ નહીં, જો દરેક વ્યક્તિ તે સિદ્ધાંતોનું પાલન કરે તો આપણું વિશ્વ દરેક માટે કેવી રીતે અલગ હોઈ શકે.”
આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી સહિત બીબીસી પ્રેઝન્ટર સોનાલી શાહ; સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના માલિકો ભરત શાહ, મનીષ શાહ, કમલ શાહ; યોગેશ મહેતા (પિકફોર્ડ્સ); અનંત શાહ (મેઘરાજ બેંક); કેતન મહેતા (નેસેસીટીઝ સપ્લાય); નિશ્મા ગોસરાણી (પાર્ટનર, બૈન એન્ડ કંપની); નેમુભાઇ ચંદરિયા; જયસુખભાઈ મહેતા અને વિનોદભાઈ કપાશી સહિત જૈન સમુદાયની અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી.
ડાઉડેને કહ્યું હતું કે “આ ઉત્સવ એ યુનાઇટેડ કિંગડમમાં બ્રિટિશ જૈનોના જીવનના તમામ ક્ષેત્રોમાંથી, મેડીસીનથી લઈને પત્રકારત્વથી લઈને બિઝનેસીસ સુધીના જબરદસ્ત યોગદાનની સરાહના કરવાની એક ક્ષણ પણ છે, આજે આપણી પાસે આવા ઘણા લોકોનું પ્રતિનિધિત્વ છે. આપણી પાસે અહિં એસ્કેપ ટુ ધ કન્ટ્રીના સોનાલી શાહ છે તો સિંગાપોરના અમારા નવા હાઈ કમિશનર નિકેશ મહેતા અને તેજસ્વી રીતે સફળ ઉદ્યોગસાહસિકો ભરત શાહ અને યોગેશ મહેતા અહી છે. અહિં ઘણા લોકો અને ઘણું વધુ છે. આજે અહીં ડાઉનિંગ સ્ટ્રીટમાં અમારી સાથે જોડાવા માટે સમય કાઢવા બદલ આપ સૌનો આભાર, તમને હોસ્ટ કરવા એ ખરેખર સન્માનની વાત છે. આ કદાચ પ્રથમ પ્રસંગ હશે, પરંતુ હું નક્કી કરું છું કે તે આવો છેલ્લો પ્રસંગ નહીં હોય.’’
રવાન્ડા અને યુગાન્ડા માટેના યુ.કે.ના ટ્રેડ એન્વોય લોર્ડ ડૉલર પોપટે પણ જૈન સમુદાયની સિદ્ધિઓને બિરદાવતાં કહ્યું હતું કે ‘’સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ અને પિકફોર્ડ્સની નિકાસ £200 મિલિયનથી વધુ છે. તમે જૈન સમુદાયમાં થતી નિકાસના કદની કલ્પના કરી શકો છો અને તે આપણા સખત મહેનત, શિક્ષણ અને સાહસના રૂઢિચુસ્ત મૂલ્ય સાથે પડઘો પાડે છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે મહાવીર જયંતિ એ જૈન ધર્મના સ્થાપક અથવા મહાવીર જન્મ કલ્યાણકની જન્મજયંતિનું ચિહ્ન છે અને જૈન સમુદાય દ્વારા શાંતિ, સૌહાર્દનું પાલન કરવા અને જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરના ઉપદેશો ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
જૈન પૂજારીની આગેવાનીમાં કરાયેલા મંત્રોચ્ચારો સાથે સાંજનું સમાપન થયું હતું.