હિન્દુજા ગ્રૂપ અને કિંગ્સ કોલેજ લંડન દ્વારા 17 એપ્રિલે રામ નવમીના શુભ દિવસે ટ્રેઇનીંગ અને રીસર્ચની ક્ષમતાના નિર્માણ તેમજ ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ દ્વારા ભારત અને યુકેમાં આરોગ્યસંભાળના પરિણામોમાં સુધારો કરવાના હેતુથી “મેડટેક વેન્ચર બિલ્ડર” નામની નવી ભાગીદારીની જાહેરાત કરી હતી. કિંગ્સ કોલેજ લંડન, ગાય્સ એન્ડ સેન્ટ થોમસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હિન્દુજા ફાઉન્ડેશન યુકે અને મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર – નેશનલ હેલ્થ એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત – ટુ વે તાલીમ, શિક્ષણ અને સંશોધન ક્ષમતાના નિર્માણને આગળ વધારવા માટે નવી વ્યૂહાત્મક ભાગીદારીમાં જોડા શે.
આ ભાગીદારી વૈશ્વિક આરોગ્યસંભાળ પડકારોનો સામનો કરવા માટે નવી ટેકનીકોના વિકાસને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે નવી હિન્દુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડમીની રચના તરફ દોરી જશે.
હિન્દુજા પરિવારના 84 વર્ષીય વડા ગોપી હિન્દુજાએ 17 એપ્રિલે સેન્ટ થોમસ હોસ્પિટલની બાજુમાં 100 લેમ્બેથ પેલેસ રોડ ખાતે પ્રમાણમાં નવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થકેર એન્જિનિયરિંગ ખાતે પુત્રો સંજય અને ધીરજ, પુત્રી રીટા છાબરિયા તથા પુત્રવધૂઓ અનુક્રમે અનુસૂયા અને શાલિની સાથે હસ્તાક્ષર સમારંભમાં હાજરી આપી હતી.
હિન્દુજા ફાઉન્ડેશન યુકે તરફથી આ માટે “નોંધપાત્ર ભેટ” આપવામાં આવી છે જેની રકમ જાહેર કરાઇ નથી. પણ તે રકમ બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને ઇમેજિંગ સાયન્સમાં ભારતના વિદ્યાર્થીઓ માટે પીએચડી અને માસ્ટર્સની શિષ્યવૃત્તિ દ્વારા હેલ્થ એન્જીનીયરીંગ રીસર્ચ અને ક્લિનિકલ ઇનોવેશનને સક્ષમ કરશે.
યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને લંડન ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થકેર એન્જિનિયરિંગ (LIHE) ની મુલાકાત બાદ જણાવ્યું હતું કે “આ સહયોગ યુકેના ભારત સાથેના ગાઢ સંબંધોને મજબૂત બનાવશે અને હેલ્થકેર એન્જિનિયરિંગ, ક્લિનિકલ ઇનોવેશન અને અદ્યતન તાલીમમાં વધુ સંશોધન ક્ષમતા બનાવશે.”
હિન્દુજા પરિવારનું કહેવું છે કે આ સહયોગ બહુરાષ્ટ્રીય હિન્દુજા ગ્રૂપના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાના પરોપકારી કાર્યને માન્યતા આપવા માટે છે જેમનું ગયા વર્ષે અવસાન થયું હતું.
હિન્દુજા ગ્રૂપ અને ફાઉન્ડેશનના ચેરમેન જી.પી. હિન્દુજાએ જણાવ્યું હતું કે, “અમે આને ભારત અને યુકેના લાભ માટે વાસ્તવિક હકારાત્મક હેલ્થ કેર અને રીસર્ચ પરિણામો લાવવા માટે લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે જોઈએ છીએ.”
હિન્દુજા પરિવાર વતી સંજય જીપી હિન્જાએ પોતાના પ્રવચનમાં જૂથના સ્થાપક પરમાનંદ દીપચંદ હિન્દુજા, ગયા વર્ષે ગુજરી ગયેલા ગોપીચંદના મોટા ભાઈ શ્રીચંદ હિંદુજા, તેમજ તેમના સ્વર્ગસ્થ પત્ની લલિતાને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે “આજનો દિવસ વિજ્ઞાનની સીમાઓને વધારવા માટે હિન્દુજા પરિવાર અને કિંગ્સ કોલેજ લંડન અને ગાય્ઝ અને સેન્ટ થોમસ ટ્રસ્ટ વચ્ચેના અનન્ય સહયોગને ચિહ્નિત કરતો એક વિશેષ દિવસ છે. આ અનન્ય મોડેલ સંશોધન અને ટેકનોલોજી અને મેડીસીનના નવા ઉભરતા ક્ષેત્રોને સમર્થન આપશે જે હેલ્થ કેરનું ભાવિ છે અને ક્લિનિકલ શ્રેષ્ઠતાને વધારવામાં પણ મદદ કરશે.”
LIHE ખાતે સહી કરાયેલા કરાર અંતર્ગત ક્લિનિકલ અને નોન-ક્લિનિકલ ટૂંકા અભ્યાસક્રમો, સંશોધન ક્ષમતા નિર્માણ અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશનની તાલીમ ભારત અને યુકેમાં હેલ્થ પ્રોફેશનલ્સને એવી તક આપશે જેથી તેઓ પરસ્પર શ્રેષ્ઠ ક્લિનિકલ પ્રેક્ટિસ શેર કરી શકે.
આ બંને સ્ટ્રૅન્ડ હિન્દુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડેમીનો એક ભાગ બનશે, જેમાં કિંગ્સ કૉલેજ લંડનના રીસર્ચ, શિક્ષણ અને બાયોમેડિકલ ટેક્નૉલૉજી, હેલ્થ ડેટા – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિત અદ્યતન ઉપચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
યુકેના હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે “અમને હિંદુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડેમીની સ્થાપનાને સમર્થન આપતા ગર્વ થાય છે, જે સ્ટાફની આગામી પેઢી માટે નવીનતા અને અદ્યતન તાલીમ દ્વારા હેલ્થ કેરના ભાવિમાં પરિવર્તન લાવવા સાથે ભારત – યુકેના બોન્ડને મજબૂત બનાવશે.”
વાઇસ ચાન્સેલર અને કિંગ્સ કોલેજ લંડનના પ્રમુખ પ્રોફેસર શિતિજ કપૂરે જણાવ્યું હતું કે ‘’ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારત અને યુકેમાં હેલ્થ કેર પ્રોફેશનલ્સની આગામી પેઢી અને બાયોમેડિકલ ટેકનીક પ્રતિભાને ટેકો આપવાનો છે, જેઓ ભવિષ્યની હેલ્થ કેર ટેકનીકોનો વિકાસ કરશે.”
કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ ખાતે સર્જરીના પ્રોફેસર પ્રોકાર દાસગુપ્તા હિન્દુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડમીના બોર્ડની અધ્યક્ષતા કરશે. તેમણે ઉમેર્યું હતું કે “હિંદુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડેમી માત્ર ભવિષ્યની પેઢીના હેલ્થ કેર પ્રોફેશનલ્સને તાલીમ, શિક્ષણ અને સંશોધનની તકો પૂરી પાડવા ઉપરાંત ભારત-યુકેની મિત્રતાને પણ મજબૂત બનાવે છે. ભાગીદારો તરીકે બંને પક્ષોને ફાયદો થાય છે.’’
હિન્દુજા ફાઉન્ડેશન યુકેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી અને યુકેમાં શિક્ષણ, આરોગ્ય અને આંતરધર્મ સમજણના અસંખ્ય પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે. તે 1968માં મુંબઈમાં સ્થપાયેલ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ હિંદુજા ફાઉન્ડેશનમાંથી અનુસરે છે, જે હિન્દુજા ગ્રુપના સ્થાપક પરમાનંદ દીપચંદ હિન્દુજાના પરોપકારી સિદ્ધાંતો પર આધારિત છે.
આ પ્રસંગે યુકે સરકારના આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન ચેમ્પિયન પ્રોફેસર સર સ્ટીવ સ્મિથ; કિંગ્સ હેલ્થ પાર્ટનર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર રિચાર્ડ ટ્રેમ્બથ; ગાય્ઝ અને સેન્ટ થોમસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર ઇયાન એબ્સ; ગોપીચંદના સૌથી નાના ભાઈ અને હિન્દુજા હોસ્પિટલના અધ્યક્ષ અશોક હિન્દુજા; હિન્દુજા હોસ્પિટલના CEO ગૌતમ ખન્ના, NHS ઈંગ્લેન્ડના અધ્યક્ષ રિચાર્ડ મેડિંગ્સ; મહારાષ્ટ્ર સરકારના મિનિસ્ટર ફોર મેડિકલ એજ્યુકેશન હસન મુશરીફ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપસ્થિત રહ્યા હતા.