કેમ્બ્રિજ હિંદુ કોમ્યુનિટીઝ અને રામાયણ સત્સંગ પરિવાર યુકે દ્વારા રામ નવમી અને હનુમાન જન્મોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેને પગલે કેમ્બ્રિજની શેરીઓ વાઇબ્રન્ટ રંગો અને આનંદથી જીવંત થઇ ઉઠી હતી. આ પ્રસંગે 350થી વધુ ભક્તો ભગવાન રામ અને ભગવાન હનુમાનજીના જન્મ દિનની ઉજવણી કરવા એકત્ર થયા હતા.
આ કાર્યક્રમ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનું સુંદર મિશ્રણ હતું, જેમાં સુંદરકાંડના મંત્રમુગ્ધ પાઠ અને હનુમાન ચાલીસાના શક્તિશાળી પઠનથી વાતાવરણ આધ્યાત્મિક થઇ ગયું હતું અને પવિત્ર સ્તોત્રોએ હાજરી આપનારા બધાને શાંતિ અને જોડાણની ભાવના આપી હતી. કાર્યક્રમના અંતે સૌએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
કાર્યક્રમ સૌને માટે યાદગાર બની રહે તે માટે દરેક વિગતોનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે માત્ર ભારતની સમૃદ્ધ પરંપરાઓ જ દર્શાવી ન હતી પરંતુ કેમ્બ્રિજની વિવિધતા અને સર્વસમાવેશકતાની પણ ઉજવણી કરી હતી, જે સમુદાયમાં સંવાદિતા અને એકતાની ભાવનાને ઉત્તેજન આપે છે.