પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હોવાની સોશિયલ મીડિયામાં અટકળો ચાલુ થઈ હતી.
અમેરિકન ન્યૂઝ ચેનલના અહેવાલો અનુસાર આ ઘટના મંગળવારે સાંજે ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં સ્થાનિક સમય અનુસાર સાંજે 5.25 વાગ્યે બની હતી. ગોલ્ડી બ્રાર એક સાથી સાથે તેના નિવાસસ્થાનની બહાર ઊભો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરો આવ્યાં હતા અને કથિત રીતે ગોળીબાર કર્યો હતો. બે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું ઈજાઓથી મૃત્યુ થયું હતું. જોકે આ અહેવાલોને તાકીદે પુષ્ટી મળી ન હતી.
ગોલ્ડી બ્રારના હરીફ ગેંગસ્ટર અર્શ દલ્લા અને લખભીરે હુમલાના જવાબદારી સ્વીકારી હતી. જો કે, આ આરોપો અંગે લોરેન્સ બિશ્નોઈ કે અન્ય કોઈ ગેંગસ્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
પંજાબના મુક્તસર સાહિબમાં 1994માં જન્મેલા ગોલ્ડી બ્રાર પોલીસ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારનો હતો. તે સતવિન્દરજીત સિંઘ તરીકે પણ ઓળખાય છે તે કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ખાસ કરીને પંજાબમાં ઓપરેટ કરતો હતો.